(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
દિલ્હી સરકારને અંતર્ગત આવતા લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરૂલ-ઇસ્લામખાન સામે સોશિયલ મીડિયા દ્વારા કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ મૂકાયો છે. ઝફરૂલે ફેસબુક પર પોસ્ટમાં લખ્યું કે મુસ્લિમો પર ભારતમાં જે અત્યાચાર થઇ રહ્યો છે, જો તેની ફરિયાદ અરબ દેશોને કરી દેવામાં આવશે તો વિનાશ વેરાશે . ખાને આ વાતો તેમના ફેસબુક પોસ્ટમાં લખી છે. ત્યાર બાદ સોશિયલ મીડિયાથી માંડીને રાજકીય જગતમાં લોકોએ તેમના પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. ખરેખર, ઝફરૂલ-ઇસ્લામે વિવાદાસ્પદ પોસ્ટમાં ભારતને ધમકી આપીને કુવૈતની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું કે ભારતીય મુસ્લિમોની પડખે ઉભા રહેવા બદલ કુવૈતનો આભાર. જ્યારે હિન્દુ ધર્માંધોને લાગ્યું કે મુસ્લિમ અને અરબ જગત ભારે આર્થિક કટોકટીને કારણે કોઇ કશું કરશે નહીં પરંતુ આ ધર્માંધ લોકો ભૂલી ગયા કે ઇસ્લામના નામે કરવામાં આવેલા કાર્યો માટે ભારતીય મુસ્લિમોની અરબ અને મુસ્લિમ જગતમાં સારી ઓળખ છે. ઝફરૂલ ઇસ્લામે કહ્યું કે ધર્માંધ લોકોને બતાવી દઉં કે ભારતીય મુસ્લિમોએ અત્યાર સુધી અરબ જગતને તમારા નફરતભર્યા અભિયાનો, હત્યાઓ અને રમખાણોની ફરિયાદ કરી નથી. જે દિવસે મુસ્લિમોને એમ કરવા માટે મજબૂર કરવામાં આવશે તો એ દિવસે વિનાશક પૂર આવી જશે.