(એજન્સી) તા.૧૦
વિદ્યાર્થી ચળવળકાર શેહલા રાશીદ શોરાએ સોમવારે કહ્યું કે કાશ્મીરમાં જેટલા પણ યુવાનો શસ્ત્રો ઉપાડી રહ્યા છે બધા વિદ્યાર્થીઓ છે. શેહલા રાશીદે પત્રકારોને આમ પણ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં ધ્રૂવીકરણ કરવા માટે એન્કાઉન્ટર અને પ્રદર્શન દરમિયાન નાગરિકોની હત્યા કરવામાં આવે છે. શેહલા રાશીદે કહ્યું હતું કે, રાજ્ય પાસે યુવાનો માટે કોઈ નીતિ નથી. હાલમાં અલીગઢ મુસ્લિમ યુનિ.ના કાશ્મીરી વિદ્યાર્થીએ શસ્ત્રો ઉપાડયા હતા. કાશ્મીરમાં જે પણ લોકો બંદૂક ઉપાડી રહ્યા છે તે બધા વિદ્યાર્થીઓ છે. તેણે કહ્યું હતું કે, સરકાર શસ્ત્રો ઉપાડનારા યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવાની વાતો કરે છે. પરંતુ સરકાર પાસે કોઈ શરણાગતિ નીતિ નથી. તેણે પ્રશ્ન પૂછયો હતો કે શા માટે રાજ્ય આ યુવાનોને સમજાવવા માટે સક્ષમ નથી. તેણે એવા લોકોની હત્યા વિશે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા જેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ નથી. શેહલા રાશીદે સરકારને એસઆરઓ ર૦ર બિનશરતી રીતે અને વહેલામાં વહેલીતકે રદ કરવા કહ્યું હતું. એસઆરઓ હેઠળ સરકારી કર્મચારીઓને તેમની નોકરીના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન ફકત મૂળભૂત પગાર આપવામાં આવે છે.