(એજન્સી)                 તા.૨૪

એ વાત સાચી કે સ્વાતંત્ર દિવસના એક દિવસ પહેલા કરાચી યુનિવર્સિટીના વિદ્યાર્થી હયાત બલોચને પાકિસ્તાનના તૂરબતમાં પોતાના ઘરના બગીચાની બહાર આતંકવાદના શકમાં રસ્તા પર ઘસડીને લઇ ગયાં હતાં અને ફ્રંટીયર કોર્પ્સે તેના હાથ-પગ બાંધીને તેના માતા પિતાની દયાની અપીલ કરતી નજર સામે હયાત બલોચના શરીરમાં ૮ ગોળીઓ ધરબી દીધી હતી.                 હું પણ હયાત બલોચની આ રીતે કરેલી હત્યાને વખોડવા માગું છું પરંતુ મુશ્કેલ વાત એ છે તૂરબત પાકિસ્તાનમાં છે અને હું પાકિસ્તાની મીડિયાનો એક બિનમહત્વ ભાગ છું તેથી પાકિસ્તાનની કોઇ સંસ્થાની ગરીમાનું હનન થાય એવી બેજવાબદાર ટિપ્પણી કરી શકું નહીં. હું માત્ર એટલું કહી શકું કે હયાત બલોચની હત્યા કરુણ છે, પરંતુ ત્રાસવાદ સામેની લડાઇમાં આવી ભૂલો થતી રહેવાની. હું આશા રાખુું કે સંબંધીત કાયદાનો અમલ કરવા માટે જવાબદાર સંસ્થાઓ તેમની વ્યાવસાયિક ફરજો અદા કરવામાં વધુ સતર્ક રહેશે કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ નિવારી શકાય.   હું તો આગામી કેટલાક દિવસમાં એવા સમાચારોની પ્રતિક્ષા કરી રહ્યો છું કે હયાત બલોચના પરિવારજનો એક મોટા રાષ્ટ્રીય હિતમાં કોઇ પણ જાતના દબાણ વગર હત્યારાને માફ કરીને માનવતા અને દેશપ્રેમની મોટી મિસાલ સ્થાપિત કરે. જો આ ઘટના શ્રીનગરની શેરીમાં કે પશ્ચિમ જેરુસલેમમાં ચેકપોસ્ટ ખાતે ઘટી હોત તો હું આ ક્રૂરતાની કરુણતા લખી લખીને કાગળમાંથી લોહી ટપકાવી દેત અને માનવ અધિકારોના ઉલ્લંઘનનો માતમ કરીને મારી પેન થાક ખાઇને ઢળી પડત. હું ચીસો પાડી પાડીને કહેતો કે ક્યાં છે ઇસ્લામિક જગત ? માનવ અધિકારના હિમાયતીઓ ક્યાં સૂઇ રહ્યા ંછે ? પરંતુ ભૂલ હયાત બલોચની પણ છે. તે ખોટી જગ્યાએ સાચા લોકોના હાથે માર્યો ગયો એટલા માટે મારા સિવાય કોઇ પણ દેશભક્ત લેખક ઇચ્છે તો પણ કંઇ કરી શકે નહીં.