(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
કોરોનાની મહામારી ચાલી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસ ૩૭ હજારની ટોચે પહોંચવાની તૈયારીમાં જ છે. ત્યારે રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર તમામ પ્રયાસ કરી રહ્યું છે. દરમ્યાન અમદાવાદના ડૉક્ટર જગદીશ દાફડાએ કોરોના કેસોના ડેટાના આધારે કરેલા અભ્યાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમણે કરેલા અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે, ક્રિટીકલ દર્દી જે વિસ્તારમાંથી આવે તે વિસ્તારમાં કોરોનાના કેસો સૌથી વધુ હોવાનું અનુમાન લગાવ્યું છે. એટલે સરકારે કોરોનાના કેસો કરતા ક્રિટીકલ દર્દીઓ જ્યાંથી આવે છે તેના ઉપર ધ્યાન આપી જે-તે વિસ્તારમાં કોરોનાને કાબૂમાં લેવા અસરકારક પગલાં ભરવા જોઈએ. એમ ડૉક્ટરનું માનવું છે.
કોરનાના કેસો અંગે કરેલી આગાહી મામલે ડૉ.જગદીશ દાફડાએ જણાવ્યું હતું કે, કોરનાના વધતા કેસોને લઈને મેં ગુજરાતના ક્રિટીકલ દર્દીઓના ડેટાના આધારે કરેલા અભ્યાસમાં ખ્યાલ આવ્યો કે, જ્યાંથી ક્રિટીકલ દર્દી આવે છે તે વિસ્તારમાં કે તેની આજુબાજુમાં વધુ કેસો હોઈ શકે છે. ગુજરાતના આંકડાને મેં વિશ્વભરમાં કોરોના આંકડા સાથે સરખાવીને ક્રિટીકલ દર્દીઓ ઉપર અભ્યાસ કર્યો છે. તેના આધારે મારું અનુમાન છે કે, ક્રિટીકલ દર્દી આવે તે વિસ્તારમાં વધુ કોરોનાના કેસો હોઈ શકે છે.
વધુમાં ડૉ.દાફડાએ ઉમેર્યું હતું કે, કોરોનાના ક્રિટીકલ દર્દીઓને મહત્ત્વ આપવામાં આવે તો કોરોનાના સંક્રમણ કેસોની આઈસબર્ગ ઘટના એક મહત્ત્વનું નિરીક્ષણ છે કે જેમ બરફનો ટુકડો અથવા બફર શીલા જો પાણીમાં હોય તો તેની ટોચ જ દેખાય છે. પરંતુ તેનો મોટોભાગ પાણીમાં હોય છે તેમ સંક્રમણથી થતા કોરોનાના કેસ મળી આવે તો તેની આજુબાજુમાં વધુ કેસો હોઈ શકે છે. મારા ‘ડૉ. દાફડા આઈસબર્ગ ફોર કાસ્ટ ર૦ર૦’ અભ્યાસ અને અનુમાનના આધારે સરકારી તંત્રએ પગલાં ભરવા જોઈએ.
ડૉ.દાફડાએ વધુમાં કોરોનાની સારવાર મુદ્દે જણાવ્યું હતું કે, દુબઈ સહિત અન્ય દેશોમાં કોરોનાના દર્દીને સારવાર અપાય ત્યારે હોસ્પિટલ દ્વારા દર્દીને કઈ કઈ દવા આપવામાં આવી અને કઈ કઈ સારવાર કરાઈ તેની ટ્રીટમેન્ટ શીટ આપવામાં આવે છે. તેવી જ રીતે આપણા ત્યાં પણ આવી દર્દીની ટ્રીટમેન્ટ શીટ દર્દીને કે તેના સગાને આપવી જોઈએ. જેના લીધે દર્દીને સારવાર મામલે પારદર્શિતા આવી શકે છે. વધુમાં ડૉ.જગદીશ દાફડાએ કહ્યું હતું કે, અમારા પ્રેરિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સી.એચ.સી. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક ચોક્કસ વિસ્તારમાં આરોગ્ય વિષયક તકલીફ (હેલ્થ પ્રોબ્લેમ્સ) અને તેના માટે તબીબી સારવાર મેળવવા માટેની કોમ્યુનિટીમાં શું વલણ છે તેનો એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જે અભ્યાસના તારણ પ્રમાણે હેલ્થ પ્રોબ્લેમ, રસીની સેવાઓ, કુટુંબના સભ્યોની સંખ્યા, સારવાર ક્યાં કરવામાં આવી. જે પ્રમાણે ખાસ હેલ્થ પ્રોબ્લેમ્સ અને તેના માટે આગળ શું સારવાર લેવામાં આવી તેના અભ્યાસમાં એવું જાણવા મળેલ કે જે તે સમયે અભ્યાસમાં તારણ મળ્યું હતું કે, કુલ વિસ્તારની વસ્તીમાંથી સરેરાશ ૧૦% લોકોને નાની-મોટી આરોગ્યની તકલીફ જોવા મળી હતી. જેમાંથી ૯૦ ટકાએ પોતાની મેળે અન્ય સલાહથી આરોગ્યની સંભાળ લઈ લીધી. જ્યારે અંદાજીત ૧૦ ટકા લોકોએ ફેમિલી ડોક્ટરથી સારવાર લીધી હતી. એ સારવાર લીધી તેના ૧૦ ટકા દર્દીઓ આગળ નિષ્ણાતની સારવાર કરવા ગયા. આ જે ૧૦ ટકા દર્દીઓ હતા તેમાંથી જે ઠીક ના થાય તેવા જ અંદાજીત ૧૦ ટકા દર્દીઓ વધુ ગંભીર દર્દીઓ તરીકે સુપર સ્પેશિયાલિટી અને આધુનિક હોસ્પિટલમાં સારવાર લેવી પડી તેવું માની શકાય.