(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧
જોડિયા તાલુકાના પડાણા ગામની સીમમાં બે શખ્સો અંગ્રેજી શરાબનો જથ્થો વેચાણ માટે મંગાવી તેનું કટીંગ કરી રહ્યા હોવાની બાતમી પરથી ત્રાટકેલી એલસીબીએ તે સ્થળેથી ૫૨૫ પેટી અંગ્રેજી શરાબ કબજે કર્યો છે. રેડ વેળાએ જથ્થો મંગાવનાર બે શખ્સો તથા બે વાહનોના ચાલકો નાસી છૂટયા હતા. એલસીબીએ રૂા.૪૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝબ્બે લીધો છે. સ્ટાફના હરેન્દ્રસિંહ જાડેજા, હરદીપ ધાધલ તથા ભગીરથસિંહને બાતમી મળી હતી કે, જોડિયા તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલા એક પડતર ખેતરમાં અંગ્રેજી શરાબનો જંગી જથ્થો આવ્યો છે. આ બાતમીથી પીઆઈ આર.એ.ડોડિયાને વાકેફ કરવામાં આવ્યા પછી એલસીબીના કાફલાએ સવારે જોડિયાના પડાણા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો તે સ્થળે પડાણાના રવિરાજસિંહ જાડેજા તથા મોરબી જિલ્લાના ફડસર ગામના ભરતભાઈ બોરીચા નામના બે શખ્સો વેચાણ માટે મંગાવવામાં આવેલા અંગ્રેજી શરાબના જથ્થાનું કટીંગ કરતા ઝડપાઈ ગયા હતા. આ સ્થળે એલસીબીએ ઘેરો ઘાલી ત્યાં પડેલા તાતા કંપનીના પીબી-૬૫-એએચ ૫૨૨૬ નંબરનો ટ્રક તથા જીજે-૧૩-યુ-૮૨૧૮ નંબરનું મેટાડોર મળી આવ્યા હતા જેની તલાશી લેવાતા તેમાંથી ૫૨૫ પેટી મળી આવી હતી. એલસીબીના દરોડા વખતે સ્થળ પર હાજર રવિરાજસિંહ તથા ભરત બોરીચા અને ટોરસ તેમજ મેટાડોરનો ચાલક નાસી ગયા હતા. આ ચારેય શખ્સો સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
જોડિયાના પડાણાની સીમમાંથી દારૂ સહિત અડધા કરોડનો મુદ્દામાલ ઝબ્બે

Recent Comments