જોડિયા, તા.૪
લખતર મુકામે જોડિયા ગ્રામ પંચાયતના વીજ કનેકશનના પોલ ફ્લડના કારણે પડી ગયેલ છે. આ બાબતે પીજીવીસીએલ જોડિયા તથા પીજીવીસીએલ જામનગર (ગ્રામ્ય) લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં ઈલેકટ્રીક પોલ ઊભા ન કરવાના વાંકે જોડિયા ગામની પ્રજાને ૧૦થી ૧પ દિવસથી પાણીનું વિતરણ થઈ શકતું નથી જેના કારણે આજરોજ જોડિયા સમસ્ત ગામ સ્વયંભુ બંધ રાખી પીજીવીસીએલ-જોડિયા તથા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જોડિયા ગામની ૧પ૦૦૦ની વસ્તી તથા ૮૦૦૦ પશુધનના પીવાના પાણીનો પ્રાણ પ્રશ્ન હોય યુદ્ધના ધોરણે કામગીરી થાય તે માટે લગત વિભાગને સૂચનાઓ આપવા અનુરોધ કરાયો છે.
આ અંગે દિવસ-રમાં નિર્ણય નિકાલ કરવામાં નહીં આવે તો જોડિયા ગામની પ્રજાને જલદ અને અત્યંત ઉગ્ર આંદોલન તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યો તથા ગ્રામજનોને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગના તા.૧પ-૦ર-ર૦૧૮ના રોજના પત્રથી ઉંડ-રમાંથી સિંચાઈ માટે પાણી ન લેવા લેખિત સૂચના હોવા છતાં હાલમાં પીજીવીસીએલ જોડિયા દ્વારા આ સ્થાનિક જગ્યા પર ૪૦થી પ૦ જેટલા બિનઅધિકૃત વીજજોડાણો આપવામાં આવેલ છે.
આવા તમામ અનઅધિકૃત વીજ કનેકશનમાં હાલમાં વીજ સપ્લાય ચાલુ છે અને તે વીજ કનેકશનનો ઉપયોગ કરી ખેતીની સિંચાઈ માટે પાણી ગેરકાયદેસર રીતે ઉપાડવામાં આવે છે. આવા અનઅધિકૃત વપરાશમાં પીજીવીસીએલ-જોડિયા વ્યાપક મદદગારી કરે છે. અને જોડિયા ગામની પ્રજા તથા પશુધનના પીવાના પાણીના પ્રાણ પ્રશ્નમાં યેનકેન પ્રકારે અડચણ ઊભી કરે છે. આજરોજ જોડિયાના સરપંચ નયનાબેન અશોકભાઈ વર્માની જોડિયા સંપૂર્ણ બંધની અપીલને જોરદાર સાથ-સહકાર આપી પ્રજાજનોએ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાંં જણાવેલ જોડિયાની પ્રજા પાણી માટે વીજ કનેકશન કેમ ચાલુ નથી કરતા જે વર્ષોથી ઉંડ-ર ડેમમાંથી થઈ કૂવા સુધી વીજ સપ્લાય પહોંચે છે. ગઈ સાલ ફ્લડ આવતા પથી ૬ વીજ પોલ પડી જવાથી જોડિયાથી જામનગર સુધીના દરેક અધિકારીને લેખિત અને મૌખિક ફરિયાદ કરેલ છે. છેલ્લા બે દિવસ આ અગાઉ જામનગર એ.સી. સાથે ટેલિફોન ઉપર ચર્ચા કરતા તેઓ એકદમ અજાણતા થઈ ગયેલ. આવડુ મોટું કૌભાંડ પી.જી.વી.સી. એલ. સિંચાઈ વિભાગ પાણી પુરવઠા બોર્ડ આ ત્રણેય મળીને છેલ્લા પંદર ર૦ વર્ષથી ખૂબ મોટી રકમનો ભાગ બટાઈનો આ ગોરખ ધંધો ચાલે છે. તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. કલેકટરે જોડિયાના આગેવાનો સાથે વાત કરતા તેઓ આ બાબતે એકદમ અજાણ હતા કેમ કે તેઓ હાલમાં જ બહારથી બદલી થઈને આવેલ છે. તેઓએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર માકડીયા પાસે ખુલાસામાં પૂછેલ છે કે જોડિયાની પાણીની પાઈપલાઈન કોના કહેવાથી તોડીને તેની અંદર સિમેન્ટ કોંક્રિટનો માલ બનાવી લાઈન દબાવી દીધેલ છે. જોડિયાની પ્રજાને કાયમ માટે પાણીથી વંચિત કરી દેવાનું આ કાવતરૂં કરેલ છે. આ સરકારી અધિકારીઓની તપાસ વહીવટીતંત્ર કરીને તેઓ ઉપર કડક કાર્યવાહી કરશે તેવી જોડિયાની પ્રજાની લાગણી અને માગણી છે.