જોધપુર,તા.૪
રાજસ્થાનનાં જોધપુરનાં બનાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્નિકલ ખામીનાં કારણે ઈન્ડિયન એરફોર્સનું મિગ-ર૭ લડાકુ વિમાન ક્રેશ થઇ જતાં સમગ્ર વિમાન સંપૂર્ણપણે સળગીને ખાખ થઇ જવા પામ્યું હતું. આ દુર્ઘટના રાજસ્થાનનાં જોધપુર નજીક દેવરિયા ગામ પાસે ઘટી હતી. દુર્ઘટના બાદ આર્મીના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. સદ્‌નસીબે પાઇલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. અહેવાલો અનુસાર ઉડાણ ભર્યાની ૧પ મિનિટ બાદ જ મિગ-ર૭ વિમાન તૂટી પડ્યું હતું. ઇન્ડિયન એરફોર્સ દ્વારા જારી કરવામાં આવેલ એક નિવેદન અનુસાર આ વિમાન રૂટિન મિશન દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની તપાસ માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. પાઇલટને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં અને આ મામલે કોર્ટ ઓફ ઇન્કવાયરીનાં આદેશ જારી કરાયા હતા. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મિગ-ર૭ એરબસે સવારે ૮.પ૦ કલાકે ઉડાણ ભરી હતી અને ૯-૦ર મિનિટે મિગ-ર૭ ક્રેશ થઇ ગયું હતું.
પ્રારંભિક અહેવાલો અનુસાર આ વિમાન દુર્ઘટનામાં જાનમાલને કોઇ નુકસાન થયું નથી. વિમાન એક ખુલ્લા મેદાનમાં તૂટી પડ્યું હતું. તેનાં કારણે આસપાસનાં વિસ્તારોમાં કોઇ ખુવારી થઇ નથી. જો વિમાન માનવ વસ્તીમાં ક્રેશ થયું હોત તો જાનમાલને મોટું નુકસાન થઇ શકયું હોત. વિમાન ક્રેશ થતાંની સાથે જ દુર્ઘટના સ્થળે આગની જવાળાઓ ભભૂકી ઊઠી હતી. પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ બુઝાવી હતી.
એરફોર્સનાં વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતાં. એરફોર્સ આ ઘટનાની ગહન તપાસ કરશે અને ત્યાર બાદ વિમાન ક્રેશ થવાનું સાચું કારણ જાણવા મળશે. હાલ ટેકનિકલ ફોલ્ટને દુર્ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે.