(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૭
રાજસ્થાનના જોધપુરમાં રામનવમીના અવસરે હિન્દુવાદી સંગઠનો દ્વારા મુસ્લિમના હત્યારા શંભૂલાલ રૈગરના માનમાં એક ટેબ્લો કાઢવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં શંભૂલાલ રેંગરના વસ્ત્રો પહેરીને એક વ્યક્તિ દેખાતો હતો. શંભૂલાલ રૈગરે ગત વર્ષમાં મોહમદ અફરાઝુલની ઘાતકી હત્યા કરી નાખી હતી. ટેબ્લોની સાથેના પોસ્ટરમાં લખવામાં આવ્યું કે હિન્દુ ભાઈઓ, જાગો, તમારી માતા-બહેનને બચાવો. દેશને લવજેહાદથી મુક્ત કરવાનો છે. રેંગરને શંભૂનાથ કહેવામાં આવ્યો. પોસ્ટરમાં તેને લવ જેહાદનો ઘાતક ગણવામાં આવ્યો. પોસ્ટરમાં શંભૂલાલે જે હથિયારથી મોહમદ અફરાઝુલની ઘાતકી હત્યા કરી નાખી હતી જે કુહાડી પણ દેખાતી હતી. વિશ્વ હિન્દુ પરીષદના જોધપુર ડિવિઝનલ સંયુક્ત સચિવ મહેન્દ્ર સિંહે કહ્યું કે છેલ્લા ૩૫ વર્ષથી રામનવમીની ઉજવણી ચાલુ છે, વિહિપના નેજા હેઠળ આનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે લગભગ ૨.૫ લાખ લોકોએ ભાગ લીધો અને સામાન્ય રીતેે અમે યુવાનોને સાંપ્રત પ્રવાહ પર ટેબ્લો કાઢવાનું કહેતા હોઈએ છીએ. જોકે તેમણે દાવો કર્યો કે રેંગરના ટેબ્લો અંગે અમને કોઈ જાણ નથી. હા ક્યારેક ટેબ્લોમાં લવ જેહાદ જેવા વિષયોને સામેલ કરવામાં આવતાં હોય છે પરંતુ અમે રેંગરનો ટેબ્લો ન કાઢવાનું કાર્યકરનો કહ્યું હતું પરંતુ અમારી ઉજવણી દરમિયાન આવો ટેબ્લો ખરેખર કાઢવામાં આવ્યો હતો.