(એજન્સી) અમ્માન, તા.૧૧
જોર્ડને જણાવ્યું છે કે આજે સવારે ભયંકર વિસ્ફોટથી એમનું ઝરકા શહેર ધણધણી ઉઠ્યું હતું. એમના કહેવા મુજબ પ્રાથમિક રીતે સૈન્ય શસ્ત્રાગારમાં શોર્ટ સર્કીટથી વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવે છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચારો નથી મળ્યા. આ વિસ્ફોટ પૂર્વ જોર્ડનના રણ વિસ્તારના બીજા મોટા શહેરમાં થયો છે. સરકાર અને સૈન્ય અધિકારીઓએ માહિતી આપી હતી.
આગની ઊંચી જ્વાળાઓ આકાશમાં રાજધાની અમ્માનમાંથી દેખાતી હતી જે અહીંથી દક્ષિણ પશ્ચિમ તરફ ૩૫ કિ.મી. દૂર છે. સ્થાનિક નિવાસી નબીલા ઇસ્સાએ જણાવ્યું કે અમને ભૂકંપના આંચકા જેવો અનુભવ થયો હતો. અમારા ઘરના બારી-બારણા ધણધણી ઉઠ્યા હતા અને બાળકો રડવા લાગ્યા હતા. સુરક્ષા બળોએ ઝરકા શહેરની નાકાબંધી કરી હતી. ઔદ્યોગિક શહેર ઝરકાની વસ્તી ૧૫ લાખ છે. પત્રકારો ઘટના સ્થળે જવા માંગતા હતા પણ સુરક્ષા બળોએ એમને અટકાવ્યા હતા. રણના જે વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો ત્યાં અમેરિકાના ઘણા શસ્ત્રો મુકાયેલ હતા જેમાં ૨૦૧૮માં નિર્માણ થયેલ આર્મી બેસ પણ હતું. અહીંથી હથિયારો અમેરિકાથી લાવવામાં અને મોકલવામાં આવતા હતા. પ્રાથમિક તપાસમાં સૈન્ય શસ્ત્રાગારમાં શોર્ટ સર્કીટથી વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવે છે જે શહેરથી દૂર ખુબ જ ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર છે જે સરકારની નિગરાની હેઠળ રહે છે. સરકારી અધિકારીએ જણાવ્યું કે અહિયાં જૂના અને બિન ઉપયોગી શસ્ત્રો મુકાયા હતા પણ સૈન્યના અધિકારીએ જણાવ્યું કે કેટલાક કિંમતી શસ્ત્રો અને મિસાઈલો પણ મુકાયેલ હતી. સૈન્ય અધિકારીએ વિસ્ફોટો બાબતે કોઈ ટિપ્પણી કરવા ઇન્કાર કરતા કહ્યું કે હજુ તપાસ ચાલી રહી છે.
જોર્ડનમાં સૈન્ય શસ્ત્રાગારમાં ભયંકર વિસ્ફોટ, કોઈ જાનહાનીના સમાચાર નથી

Recent Comments