(એજન્સી) તા.૧
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જોર્ડને રવિવારે કાર્ટુન વડે ઈઝરાયેલ-યુએઈ વચ્ચે થયેલી સમજૂતીની મજાક કરનાર કાર્ટુનિસ્ટને જેલમાંથી છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો. એમાદ હજજાજ નામના આ કાર્ટુનિસ્ટે યુએઈના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નહયાનનો કાર્ટુન બનાવ્યો હતો આ કાર્ટુનમાં યુએઈને એફ-૩પ યુદ્ધવિમાનો આપવા સામે ઈઝરાયેલે નોંધાવેલા પ્રચંડ વિરોધને દર્શાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અબુધાબી અને તેલ અવિવ વચ્ચે સંબંધો સામાન્ય બનાવવા અંગે સમજૂતી થઈ હોવા છતાં ઈઝરાયેલ યુએઈને આધુનિક એફ-૩૬ યુદ્ધવિમાનો આપવાનો વિરોધ કરે છે. કાર્ટુનિસ્ટના વકીલ મરવાન સાલેમે કહ્યું હતું કે કોર્ટે હજજાજને મુકત કરવાનો આદેશ આપ્યો હતો. જો કે જોર્ડનના વહીવટીતંત્રે આ ચુકાદા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. શુક્રવારે હ્યુમન રાઈટસ વોચ (એચઆરડબ્લયુ) એ જોર્ડનના વહીવટીતંત્રને અપીલ કરી હતી કે હજજાજને તાત્કાલિક મુકત કરવામાં આવે.