વડોદરા, તા.૩
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસના વ્યાપને અટકાવવા માટે લોકડાઉન કરાયાને ૧૦ દિવસ થઈ ગયા છે જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યા છે, તેમ-તેમ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની હાલત વધારે ખરાબ થઈ રહી છે. ર હજારની વસ્તી ધરાવતા કારેલીબાગ જલારામનગરના લોકોએ તંત્રને અપીલ કરતા જણાવ્યું છે કે, જો અમને મદદ કરી શક્તા ન હોય તો અમને ઝેર આપી દો, જેથી લોકડાઉનમાં ભૂખ્યા મરવું ન પડે. વડોદરાના એવા અનેક વિસ્તારો છે જ્યાં હજી જરૂરી સહાય પહોંચી નથી. તેવા વિસ્તારના લોકોની હાલત દયનીય બની ગઈ છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા શહેરના સૌથી મોટા સ્લમ વિસ્તાર જલારામનગરમાં લોકડાઉનના ૧૦ દીવસ દરમિયાન સરકારી તંત્ર કે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ પહોંચી નથી. જલારામનગરના લોકો પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે પૈસાર ઉઘરાવીને જમવાનું બનાવી લોકોને ખવડાવી રહ્યા છે. પરંતુ હવે તે લોકો પણ આર્થિક રીતે તૂટી ગયા હોવાથી સરકારી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ પાસે મદદ માટે અપીલ કરી છે.