(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યું કે આ વર્ષે ઓડીશામાં ભગવાન જગન્નાથ મંદિરમાં કોઈ પણ પ્રકારની રથ યાત્રા નહીં થવી જોઈએ. કારણ કે, રોગચાળાની પરિસ્થિતિ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની આગેવાની હેઠળની બેન્ચે ઓડીશા વિકાસ પરિષદ દ્વારા રાજ્યમાં વાર્ષિક ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને રોકવા માટે દાખલ કરેલ અરજી સંદર્ભે આદેશ જાહેર કર્યું હતું. રથયાત્રા ૨૩મી જૂને યોજાવાની હતી.
અરજદાર તરફે હાજર રહેલ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે ભુવનેશ્વરમાં લગભગ ૧૦ લાખ લોકો ભેગા થાય છે જેથી કોવિડ -૧૯ના સંક્રમણની શક્યતા ખુબ જ વધી જશે. આ જોખમને જોતા રથયાત્રાની પરવાનગી આપી શકાય નહીં. આ વાતથી સંમત થતા સી.જે.આઈ. બોબડેએ કહ્યું કે અમે પરવાનગી નથી આપી રહ્યા. જો અમે પરવાનગી આપીશું તો ભગવાન જગન્નાથ અમને ક્યારે પણ માફ નહીં કરશે. રથયાત્રા સાથે સંબંધિત બધી જ ગતિવિધિઓને રોકવાનો આદેશ આપવામાં આવે છે. કોર્ટે આદેશ આપ્યું કે “અમે યોગ્ય માનીએ છીએ કે આ વર્ષે રથયાત્રા આયોજિત કરવી જાહેર સ્વાસ્થ્ય અને નાગરિકોની સુરક્ષાના હિતમાં નથી. અમે નિર્દેશ આપીએ છીએ કે ઓડીશાના મંદિર ક્ષેત્રમાં કોઈ પણ રથયાત્રા આયોજિત કરવામાં નહીં આવશે. કોર્ટે એ પણ જણાવ્યું કે રથયાત્રા સાથે જોડાયેલ કોઈ પણ ધાર્મિક ગતિવિધિ આ વર્ષે ઓડીશામાં યોજાશે નહીં. ઓડીશા વિકાસ પરિષદે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેઓ રોગચાળાના સમયમાં જોખમને ધ્યાનમાં રાખી રથયાત્રા ઉપર રોક લગાવવામાં આવે જે ૨૩મી જૂને યોજાવાની છે. અરજી મુજબ ધાર્મિક મંડળી દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકોને આકર્ષિત કરે છે અને જો આ મેળાવડાને પરવાનગી આપવામાં આવશે તો કોરોના વાયરસનું પ્રસાર વધી શકે છે જે હજારો લોકોના જીવન માટે જોખમ ઊભું કરી શકે છે. વધુમાં જણાવામાં આવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે બધાજ પ્રકારના સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક,રમત, મનોરંજન અને ધાર્મિક મોટા મેળાવડાઓ ઉપર ૩૦મી મે ૨૦૨૦ના રોજ જારી કરાયેલ નિર્દેશોમાં પ્રતિબંધ મુક્યું છે. રાજ્ય સરકારે પણ પોતાના ૧-૬-૨૦૨૦ અને ૭-૬-૨૦૨૦ના બે જાહેરનામાઓ દ્વારા આ પ્રકારની પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મુક્યો છે.
‘જો આપણે મંજૂરી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરશે’ : સુપ્રીમ કોર્ટે પુરીની જગન્નાથ મંદિરની રથયાત્રા ઉપર રોક લગાવી

Recent Comments