(એજન્સી) તા.૨
શિવસેનાએ ભારત સરકાર દ્વારા ૫૯ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવા અંગેના નિર્ણયને ગુરૂવારે ડિજિટલ સ્ટ્રાઈક ગણાવી હતી. સાથે જ એવો પણ સવાલ કર્યો હતો કે, જો આ એપ્લિકેશન દેશની સુરક્ષા માટે ખતરો હતી તો આટલા વર્ષો સુધી તેને ચાલવા દેવાની મંજૂરી કઈ રીતે આપી ?
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખેલા એક લેખમાં એવો પણ સવાલ કર્યો કે કેન્દ્ર સરકારને ક્યારે જાણ થઈ કે આ એપ્લિકેશનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. મરાઠી ભાષામાં પ્રકાશિત થતાં શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવાયું હતું કે, ચીનની એપ્લિકેશનને પ્રતિબંધિત કરી વડાપ્રધાન મોદીએ ભારતના ઈન્ટરનેટ વપરાશકારોના હિતોની સુરક્ષા કરી અને તેમના સાહસની પ્રશંસા કરવી પડશે.
કેન્દ્ર સરકારે સોમવારે ટિકટોક, યૂસી બ્રાઉજર, શેર ઈટ અને વી ચેટ જેવી ૫૯ એપ્લિકેશન પર એમ કહીને પ્રતિબંધ મૂકી દીધો હતો કે, આ એપ્લિકેશન દેશની અખંડતા, સંપ્રભુતા અને સુરક્ષા માટે નુકસાનકારક છે. શિવસેનાએ કહ્યું કે, જો આ એપ્લિકેશન દેશની સુરક્ષા માટે ખતરો જ હતી તો પછી તેને કોઈપણ પ્રકારના અવરોધ વિના અનેક વર્ષો સુધી સંચાલિત કેમ થવા દીધી ?
જો વિપક્ષ એમ કહે છે કે, સરકારે રાષ્ટ્રીય સુરક્ષાની અવગણના કરી છે તો કેન્દ્ર સરકાર તેના પર શું જવાબ આપશે ? સામનામાં કહેવાયું છે કે, રાષ્ટ્રીય ડેટાને દેશથી બહાર જવાની મંજૂરી આપવાના સંબંધમાં તમામ પૂર્વવર્તી સરકારોને સવાલ પૂછવો જોઈએ. સામનામાં કહેવાયું છે કે, ચીને ભારત સરકાના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમાં કહેવાયું કે, ચીનના સૈનિકો હવે ગલવાન ખીણથી જવા તૈયાર નથી.