(એજન્સી) તા.ર૦
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આજે કહ્યું હતું કે, હાલ રાજકારણ ખેલવાનો સમય નથી. તે સાથે તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી હતી કે સ્થળાંતર કરી રહેલાં શ્રમિકોને તેઓના વતન પહોંચવા માટે અન્ય રાજ્યોમાંથી ઉત્તરપ્રદેશમાં પ્રવેશતી બસોને રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી બુધવારે સ્ળંતર કરી રહેલા શ્રમિકોને પડી રહેલી યાતનાઓ અંગે સંબોધન કરી રહ્યા હતા. વિવિધ રાજ્યોમાંથી ઉત્તરપ્રદેશ પાછા આવવા માંગતા શ્રમિકો માટે કોંગ્રેસ દ્વારા પૂરી પડાયેલી વિગતો પણ તેમણે જાહેર કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પૂરી પાડવામાં આવેલી બસો તૌયાર ઉભી છે જેનો શ્રમિકોને તેઓના વતનમાં પહોંચવામાં ઉપયોગ થવો જોઇએ. વિવિધ રાજ્યોમાંથી પોતાના વતન ઉત્તરપ્રદેશ પરત ફરી રહેલાં શ્રમિકોને દિલ્હીની સરહદે અટકાવી દેવામાં આવ્યા છે. તેઓની યાતનાઓને ધ્યાનમાં લઇને કોંગ્રેસે દિલ્હીની સરહદે હજારોની સંખ્યામાં બસોનો ખડકલો કરી દીધો હતો અને આ બસો દોડાવવાની રાજ્ય સરકાર મંજૂરી આપે તેની રાહ જોવાઇ રહી હતી પરંતુ આજે સાંજના ૪ વાગ્યા સુધી રાજ્ય સરકાર તરફથી મંજૂરી અપાઇ નહોતી.
આપણે આપણી જવાબદારી સમજવી જોઇએ. વિવિધ રાજ્યોમાંથી પોતાના વતનમાં પહોંચવા હાલની કાળઝાળ ગરમીં પગે ચાલી રહેલાં આ શ્રમિકો ફક્ત ભારતના નાગરિકો જ નથી તેઓ વાસ્તવમાં દેશની કરોડરજ્જુ છે એમ પ્રિયંકાએ કહ્યું હતું. આખો દેશ તેઓના ખૂનથી અને પરસેવાથી ચાલી રહ્યો છે. તેઓને સલામતી રીતે તેઓના વતનમાં પહોંચાડી દેવાની પ્રત્યેકની જવાબદારી છે. હાલનો સમય કોઇપણ પ્રકારનું રાજકારણ ખેલવાનો નથી એમ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું. આ શ્રમિકો માટે બસો ઉપલબ્ધ કરાવ્યાને આજે સાંજે ૪ વાગ્યે ૨૪ કલાક પૂરા થઇ ગયા છે. જો તમારે આ બસોનો ઉપયોગ કરવો હોય તો કરો, પરંતુ અમને મંજૂરી આપો. જો તમારે આ બસો ઉપર ભાજપનો ધ્યજ અને સ્ટિકર લગાડવા હોય તો તેમ પણ કરી શકો છો. જો તમે એમ કહેવા માંગતા હોવ કે આ બસો તમે મોકલી છે તો કેમ પણ કહી શકો છો, પરંતુ બસોને ચાલવા દો. આ બસો ઉપર ભાજપનો ઝંડો પણ મૂકી દો પરંતુ આ બસોનો ઉપયોગ કરો એમ પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથને કહ્યું હતું. અહીં નોંધ કરી મહત્વની છે કે, ઉત્તરપ્રદેશની જુદી જુદી સરહદો ઉપર અટવાઇ ગયેલા શ્રમિકોને તેઓના વતનમાં પહોંચાડવા બસોને ચાલવા દેવાની મંજૂરી આપવા કોંગ્રેસના મહામંત્રી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને સતત લેખિત વિનંતી કરી રહ્યા છે પરંતુ તેમને બસો ચલાવવાની મંજૂરી અપાતી નથી. પોતાનું નાક કપાઇ જશે એવી બીકે યોગી સરકારે સૌ પ્રથમ તો મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો પરંતુ બાદમાં મંજૂરી આપી અને છેલ્લે એવો આક્ષેપ મૂક્યો કે કોંગ્રેસ દ્વારા જે યાદી પૂરી પાડવામાં આવી છે તે દ્વિચક્રી વાહનો અને મોટરકારની યાદી છે. રાજ્ય સરકારના આવા અત્યંત બેદરકારીભર્યા વલણનો વિરોધ કરવા જ્યારે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમારે ધરણા કર્યા ત્યારે મંગળવારે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમની સામે એફઆરઆઇ નોંધવામાં આવી હતી.

ઉ.પ્ર. માટે સાંજે ચાર વાગ્યાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પ્રિયંકા ગાંધીએ પરપ્રાંતિયો માટેની બસો પરત બોલાવી

પ્રિયંકા ગાંધી વાડરાએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ માટે બપોરે ચાર વાગ્યા સુધી કોંગ્રેસે મંજૂરીની રાહ જોયા બાદ પરપ્રાંતિયો માટેની બસો પાછી ખેંચી લીધી હતી. આજે સવારથી ઉત્તરપ્રદેશ સાથેની દિલ્હી સરહદે સેંકડો બસો કતારબદ્ધ ઊભી હતી. મીડિયા સમક્ષ વીડિયો સંદેશમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, બપોરે ચાર વાગ્યે બસો ઉપલબ્ધ કરાવ્યાને ર૪ કલાક જેટલો સમય પૂરો થશે. જો તમે તેઓ ઉપયોગ કરવા માંગતા હોવ તો કરો. મંજૂરી આપો. પણ બસોને દોડવા દો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને તેના કાર્યકરો પરપ્રાંતિયોને મદદ કરતા રહેશે. કોંગ્રેસ પરપ્રાંતિયોને ભોજન સહિતની શક્ય તમામ સહાય પૂરી પાડશે. બપોરે ચાર વાગ્યાની સમયમર્યાદા અગાઉ તેમણે મીડિયા સાથે વાત કરી હતી.