(એજન્સી) નવી દિલ્હી, તા.૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો ભારત અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો પુરવઠો તાકીદે નહીં આપે તો જવાબી કાર્યવાહી કરવાની આપેલી ધમકી બાદ ભારત ટ્રમ્પના દબાણ સામે ઝુકી ગયું છે. અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે અને ૧૦ હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. ટ્રમ્પ દ્વારા ભારતને ચેતવણી આપવામાં આવ્યાના કલાકોમાં જ ભારતે અમેરિકાને દવાઓ આપવા સામે લાદેલો પ્રતિબંધ ઉઠાવી લેવાનું નક્કી કર્યું છે. એવું લાગે છે કે ટ્રમ્પની ધમકીની અસર થઇ ગઇ છે. અમેરિકામાં કોરોના વાયરસ અંગે જોખમ વધી રહ્યું છે. બે દિવસ પહેલા શનિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન મોદી મેલેરિયા નાશક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ નહીં હટાવે તો જવાબી કાર્યવાહી કરવામાં આવી શકે છે. મને કોઈ કારણ નથી દેખાતું કે ભારતે અમેરિકાના દવાના ઓર્ડરને શા માટે અટકાવી રાખ્યો છે? વૈજ્ઞાનિકોએ હાઈડ્રોક્સીક્લોરોક્વિનને કોરોના સામે લડવામાં કારગર ગણાવી છે. વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, ‘હાલ તો મેં મોદીના નિર્ણય વિશે સાંભળ્યું નથી. હું જાણું છું કે તેમણે અન્ય દેશોમાં દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે, મારી તાજેતરમાં જ તેમની સાથે ચર્ચા થઈ હતી. ભારતના અમેરિકા સાથેના સંબંધ ઘણા સારા છે. હવે જોવાનું એ છે કે તે અમને દવા મોકલવાની મંજૂરી આપે છે કે નહીં.’ટ્રમ્પ સાથે વાતચીત બાદ મોદીએ કહ્યું હતું કે, અમેરિકાના દવા મોકલવાના ઓર્ડર પર વિચાર કરીશું. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણ, ભારતના દવા મોકલવાના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. જો તે હાઈડ્રોક્સીક્લોરોક્વિન મોકલવાની મંજૂરી નહીં આપે તો મને આશ્વર્ય નહીં થશે નહીં. ભારત અને અમેરિકા વચ્ચે સારા વેપારી સંબંધ છે. આ સ્થિતિથી આની પર માઠી અસર થઈ શકે છે. ઈટલી અને સ્પેન બાદ અમેરિકામાં મોતનો આંકડો ૧૦ હજાર કરતા વધી ગયો છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્ક સ્ટેટમાં પાંચ હજાર મોત થઈ હતી. જેમાં અડધા કરતા વધારે માત્ર ન્યૂયોર્ક સિટીમાં છે. સાથે જ રાજ્યમાં ૧.૨૦ લાખથી વધુ સંક્રમિત છે અને ૧૬ હજારથી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત અમેરિકાએ એશિયાઈ દેશમાં ફસાયેલા તેમના ૨૯ હજાર નાગરિકોને ૧૩ વિશેષ વિમાનોથી દેશમાં પરત બોલાવી લીધા છે. આ નાગરિક સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયાઈ દેશ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ઉઝ્‌બેકિસ્તાનમાં ફસાયા હતા.

ટ્રમ્પે ધમકી આપ્યા બાદ ભારત દવાની નિકાસ કરશે

કોવિડ-૧૯ મહામારી સામેની લડતમાં અમેરિકાના મદદ કરવા માટે જો ભારત અમેરિકાને મેલેરિયા નાશક દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો પુરવઠો તાકીદે નહીં આપે તો જવાબી કાર્યવાહી કરવાની અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને ખુલ્લી ધમકી આપવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ કરવામાં ઉતાવળ કરી છે. નવી દિલ્હી દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ મહામારીથી ખરાબ રીતે અસરગ્રસ્ત કેટલાક દેશોમાં ખરેખર આ દવાની નિકાસ કરવામાં આવશે અને કોવિડ-૧૯ સામેની લડતમાં ભારત પર આધાર રાખતા પાડોશી દેશોને પરવાનગી આપવામાં આવશે. જોકે, ભારતના સત્તાવાર નિવેદનમાં અમેરિકાનું ખાસ રીતે નામ લેવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે અમેરિકાને ખરેખર હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ કરવામાં આવશે. નવી દિલ્હીએ બિનજરૂરી વિવાદ અને આ બાબતનું રાજકીયકરણ કરવા સામે ચેતવણી આપી છે.

મિત્રતા બદલો લેવા માટે નથી : ભારત અમેરિકાના દબાણમાં આવી જતા રાહુલ ગાંધીએ કહ્યું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં આવીને કેન્દ્ર સરકાર દ્વારા તેને દવાની નિકાસ કરવાની પરવાનગી આપ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અન્ય દેશોને દવાની નિકાસ કરતા પહેલા તે ભારતીયોને મળવી જોઇએ. ટિ્‌વટર પર તેમણે કહ્યું કે, મિત્રતા જવાબી કાર્યવાહી માટે નથી. જરૂરના સમયમાં ભારતે તમામ દેશોને મદદ કરવી જોઇએ પરંતુ પ્રથમ જરૂરિયાતમાં ભારતીયોને જીવન બચાવવાની દવાઓ મળવી જોઇએ. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નરેન્દ્ર મોદીને ધમકી આપવાની ભારે ટીકા થઇ રહી છે આ ધમકીમાં કહેવાયું હતું કે, જો નવી દિલ્હી અમેરિકાને હાઇડ્રોક્સીકોરોક્વિનની નિકાસ નહીં કરે તો જવાબી કાર્યવાહી થશે. રાહુલ ગાંધીની પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને આપેલી કટિબદ્ધતાથી કેસ દર કેસના આધારે કેટલાક પાડોશી દેશોને મેેલેરિયા વિરોધી દવા હાઇડ્રોક્સીકોરોક્વિનની નિકાસ કરાશે. ઉલ્લેખનીય છે કે, હાઇડ્રોક્સીકોરોક્વિન મેલેરિયાની સારવાર માટે વપરાતી જુની અને સસ્તી દવા છે. ગયા મહિને ભારતે કોરોના વાયરસના દેશમાં વધતા જોખમને જોતાં આ દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

રાહુલનું ટિ્‌વટ :
મિત્રતા બદલો લેવા માટે નથી. સમયની જરૂરને જોતા ભારતે તમામ દેશોને મદદ કરવી જોઇએ પરંતુ જીવન બચાવનારી દવાઓનો મોટાભાગનો જથ્થો પહેલા ભારતીયોને મળવો જોઇએ.
———-
શક્તિસિંહ ગોહિલનું ટિ્‌વટઃ
જો ભારત સરકાર દવાઓની નિકાસ માટે પરવાનગી નહીં આપે તો જવાબી કાર્યવાહી કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી સમગ્ર દેશ માટે શરમજનક છે. ‘નમસ્તે ટ્રમ્પ’ માટે આખો મહિનો અને ૧૦૦ કરોડ વેડફનારા નરેન્દ્ર મોદી વિનમ્રતાથી શરણે થઇ ગયા અને દવાની નિકાસના પ્રતિબંધને હટાવી દીધો.

કોરોના વાયરસ : દવાની નિકાસ અંગે ટ્રમ્પ ભારતને ‘ખુલ્લી ધમકી આપી રહ્યા છે’ : શશી થરૂર

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
મેલેરિયા નાશક મહત્વની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિનની અમેરિકામાં નિકાસ કરવા માટે જો ભારત રાજી નહીં થાય તો ભારત સામે જવાબી કાર્યવાહી કરવાનું અમેરિકા વિચારી શકે છે, એવી ભારતને ખુલ્લી ધમકી આપતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે ટીકા કરી છે. કોરોના વાયરસની સારવારમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા ભારે અસરકારક હોવાનું માનવામાં આવે છે. શશી થરૂરે ઘણા વર્ષો સંયુક્ત રાષ્ટ્રમાં પસાર કર્યા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ સામે પ્રહાર કરતા જણાવ્યું કે ભારત તમને આ દવા વેચવાનું નક્કી કરશે ત્યારે અમેરિકાને હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો પુરવઠો મળશે. શશી થરૂરે પોતાના ટિ્‌વટમાં લખ્યું કે વૈશ્વિક મામલાઓમાં દાયકાઓના પોતાના અનુભવોમાં મેં કોઇ રાષ્ટ્ર અધ્યક્ષ કે સરકારને બીજા દેશની સરકારને આવી રીતે ખુલ્લી ધમકી આપતા સાંભળ્યું નથી, મિસ્ટર પ્રેસિડેન્ટ ? ભારત તમને આ દવા વેચવાનું નક્કી કરશે ત્યારે તે તમને મળશે.

ભારતનો મિત્ર કેમ જવાબી કાર્યવાહીની વાત કરી રહ્યો છે ? ભારતે અમેરિકામાં દવાની નિકાસની મંજૂરી આપ્યા બાદ ઓવૈસીએ પૂછ્યું

(એજન્સી) હૈદરાબાદ, તા.૭
ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના નેતા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની અમેરિકામાં નિકાસ કરવા માટે નિકાસના નિયમો હળવા કરવા બદલ સરકાર સામે નવેસરથી પ્રહારો કર્યા છે. મંગળવારે પોતાના નવા ટિ્‌વટમાં ઓવૈસીએ અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મદી વચ્ચેની બહુ ચર્ચિત મૈત્રી સામે કટાક્ષ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા પોતાના ટિ્‌વટમાં ઓવૈસીએ કટાક્ષમાં જણાવ્યું કે શા માટે વ્હાઇટ હાઉસમાં ભારતના મિત્ર બદલાની કે જવાબી કાર્યવાહીની વાત કરી રહ્યા છે ? તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે શું તમે ભારતનું આ અપમાન સાંખી લેશો ? અમેરિકામાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ કરવા માટે કેન્દ્ર સરકારે નિકાસના નિયમો હળવા કર્યા હોવાની બાબત ઓવૈસી સહિત ઘણા વિરોધ પક્ષોને ગમ્યું નથી.