(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
છેલ્લા ચાર અઠવાડિયામાં દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી મુસ્લિમ સમુદાયના અગ્રણી નેતાઓનું કહેવું છે કે, મોટી મસ્જિદોને બધા ધર્મના લોકો માટેના ક્વોરન્ટાઈન સેન્ટરમાં ફેરવી દેવી જોઈએ. સોમવારે પુણેના આઝમ કેમ્પસમાં આવેલી એક મોટી મસ્જિદને ક્વોરન્ટાઈન સેન્ટરમાં ફેરવી દેવામાં આવી હતી. બે અઠવાડિયા પહેલાં ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક કાસિફુલ હુદાએ કોરોના વાયરસ મહામારીના સમયમાં મસ્જિદોના આ ઉપયોગ વિશે લખ્યું હતું. દિલ્હી લઘુમતી પંચના ચેરમેન ડૉ.ઝફરૂલ ઈસ્લામખાને એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે, મુસ્લિમ સમુદાયે આ મહામારીના સમયે તેમની મસ્જિદો, શાળાઓ, મદ્રેસાઓને ક્વોરન્ટાઈન સેન્ટરમાં ફેરવી દેવા જોઈએ. ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના જનરલ સેક્રેટરી ડૉ.મંજુર આલમે કહ્યું હતું કે, મુસ્લિમોએ આગળ આવી મદદની ઓફર કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, સમાજમાં મસ્જિદોની મહત્ત્વની ભૂમિકા રહી છે. આ મહામારીના સમયે મસ્જિદોને ક્વોરન્ટાઈન સેન્ટરોમાં ફેરવી શકાય છે. જમાત-એ-ઈસ્લામી હિન્દના ઉપપ્રમુખ મોહમ્મદ સલીમ એન્જિનિયરે કહ્યું હતું કે, જો આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો મસ્જિદોને ક્વોરન્ટાઈન સેન્ટરમાં ફેરવવા માટે કોઈ ખચકાટ ન હોવો જોઈએ. ફતેહપુર શાહી મસ્જિદના ઈમામ મૌલાના મુફતી મુકર્રમ અહેમદે કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાયના લોકોએ તેમની ઈમારતો, વિલા, ફાર્મહાઉસો લોકોની મદદ માટે ખોલી દેવા જોઈએ. કોરોના વાયરસના દર્દીઓ ઉપરાંત ડૉક્ટરો અને સ્થળાંતરિત મજૂરોને પણ રહેવા માટે જગ્યાની જરૂર છે. જો કે, મસ્જિદો અંગે તેમણે કહ્યું હતું કે, મસ્જિદો ઈબાદત માટે હોય છે. જો તેને આ ઉદ્દેશથી ખોલવામાં આવે તો શક્ય છે કે તેની પવિત્રતા ન જાળવી શકાય પરંતુ સમુદાયના અન્ય અગ્રણીઓ આ વિચાર સાથે સંમત નથી. મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિ.ના પૂર્વ કુલપતિ અને વ્યાપારી ઝફર સરેશવાલાએ કહ્યું હતું કે, બધી મોટી મસ્જિદોને ક્વોરન્ટાઈન સેન્ટર તરીકે ખોલી દેવી જોઈએ અને જ્યારે નિઝામુદ્દીન મરકઝની ઘટના ઘટી છે ત્યારે મારા અભિપ્રાય મુજબ મૌલાના સાદે આગળ આવી સરકારને મરકઝની મસ્જિદને ક્વોરન્ટાઈન સેન્ટરમાં ફેરવી દેવાનું કહેવું જોઈએ. ત્યારબાદ આ મુદ્દાનો અંત આવશે અને સમગ્ર સમુદાયને હુમલાઓ સહન કરવા નહીં પડે. ઝકાત ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડૉ.સૈયદ ઝફર મહેમૂદે કહ્યું હતું કે, હા મુસ્લિમોએ કુર્આન શરીફ અને હદીષ શરીફની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી મસ્જિદો ખોલી દેવી જોઈએ. આપણે નમાઝ ઉપરાંત માનવતા માટે પણ તેમનો ઉપયોગ કરવો જોઈએ.