(એજન્સી) નવી દિલ્હી, તા.પ
ઉત્તર ભારતમાં ઓનર કિલીંગનું દૂષણ અત્યંત વધી ગયેલ છે જેને ધ્યાનમાં રાખી સીજેઆઈ મિશ્રાએ ખાપ પંચાયતોને ચેતવણી આપી કે તમે આત્મસન્માનની ઠેકેદારો બંધ કરો અને જો બે પુખ્ત વયની વ્યક્તિઓ સ્વેચ્છાથી લગ્ન કરે તો એમાં દરમિયાનગીરી કરવાનો કોઈને પણ અધિકાર નથી. સીજેઆઈ ઓનર કિલીંગ રદ કરાવવા દાખલ થયેલ અરજીની સુનાવણી કરી રહ્યા હતા. એક એનજીઓ શક્તિ વાહિનીએ ઓનર કિલીંગને રોકવા સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સીજેઆઈએ કહ્યું કે, જો એ માતા-પિતા હોય અથવા અન્ય કોઈ હોય, સમાજ અથવા પંચાયત હોય, લગ્નને અટકાવવાનો અથવા લગ્ન કરી એનો અંત લાવવા દબાણ કરવાનો અથવા છોકરી અથવા છોકરા ઉપર હુમલાઓ કરાવવાનો કોઈને પણ અધિકાર નથી. પોતાની અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે, ખાપ પંચાયતો અથવા જાતે નિર્માણ કરાયેલ ગામની કોર્ટો ખાસ કરીને ઉત્તર ભારતમાં સમાંતર કોર્ટો ચલાવે છે. એ ખાપ પંચાયતો રીતિ-રિવાજોના નામે મધ્ય યુગની પરંપરાઓનો અમલ કરવા દબાણો કરે છે અને વધુમાં પોતાની ઈચ્છાથી લગ્ન કરેલ દંપતીને સજા પણ ફટકારે છે. ખાપ પંચાયત તરફે રજૂઆત કરતા વકીલે જણાવ્યું કે, અમે પણ ઓનર કિલીંગની વિરૂદ્ધ છીએ. અમે કયારે પણ આંતર-જાતીય અથવા આંતરધર્મી લગ્નનો વિરોધ નથી કર્યું પણ અમે ફકત પિતરાઈઓ વચ્ચેના લગ્નનો વિરોધ કરીએ છીએ. આમ પણ હિન્દુ મેરેજ એકટની કલમ પ(પાંચ) હેઠળ આ પ્રકારના લગ્નો પ્રતિબંધિત છે. અમે પિતરાઈઓને ભાઈ-બહેન સમજીએ છીએ. સુપ્રીમકોર્ટે જો કે એ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે એ માટે કાયદો પોતાની મેળે કામ કરશે તમે દરમિયાનગીરી કરવાવાળા કોણ છો ? વકીલે કહ્યું અમે આત્મસન્માનનું રક્ષણ કરનારા છીએ. આના ઉત્તરમાં સીજેઆઈએ કડક શબ્દોમાં કહ્યું આત્મસન્માનની ઠેકેદારી લેવાનો પ્રયાસ ના કરો. કોઈને પણ લગ્ન વચ્ચે દરમિયાનગીરી કરવાનો અધિકાર નથી. અમને ખાપ પંચાયતો સાથે નિસ્બત નથી. ફકત લગ્ન કરનાર દંપતી સાથે નિસ્બત છે. લગ્ન ખરા છે કે ખોટા, લગ્ન કરવા નહીં કરવા માટે કોઈ સલાહ આપી નહીં શકે અથવા દબાણ નહીં કરી શકે, એનાથી બધાએ દૂર રહેવું જોઈએ.