કુઆલાલમ્પુર, તા.૮
મલિશિયાના નાયબ વડાપ્રધાન અહમદ ઝાહીદ હમિદીએ બુધવારે આશ્વાસન આપ્યું હતું કે, જો ભારત સરકાર અપીલ કરશે તો અમારે ત્યાં શરણ લઇ રહેલા ઉપદેશક ઝાકીર નાઇકને ભારત પરત મોકલી દેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જો ભારતીય સરકારઝાકીર નાઇકના પ્રત્યાર્પણ અંગે કાયદેસરની માગ કરશે તો અમે તેને પરત મોકલી દઇશું. હાલ ભારત તરફથી મલેશિયા સરકારને કોઇ અપીલ કરવામાં આવી નથી. ઝાહીદે જણાવ્યું હતું કે, ઝાકીરે અત્યારસુધી અમારી નાગરિકતા નથી માગી. ઝાહીદ મલેશિયાનાએક સાંસદ ગોવિંદસિંહના સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે ઝાકીરને મલેશિયાની નાગરિકતા આપવા અંગે સરકારને સવાલ કર્યો હતો. એક સવાલના જવાબમાં ઝાહીદે જણાવ્યું હતું કે, ઝાકીરે અત્યારસુધી મલેશિયાની સરકારનું કોઇ કાનુન તોડ્યું નથી. તેના પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે, મલેશિયા દરેક ધર્મનું સન્માન કરે છે. અમે તેની ચેનલ પર એવી કોઇ વિવાદાસ્પદ બાબત જોઇ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કેટલાક દિવસ પહેલા જણાવ્યું હતું કે, અમારી કાયદાકીય પ્રક્રીયા પુરી થવાને આરે છે. આ પ્રક્રીયા પુરી થતા જ અમે મલેશિયા સરકારને અપીલ કરીશું. આગામી કેટલાક દિવસમાં જ અમારી અપીલનું નેચર શું છે તે જાણી શકાશે.