(એજન્સી) તા.૯
કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં નોવેલ કોરોના વાયરસનો સામનો કરવા મુદ્દે મૂંઝવણ પ્રર્વતે છે. પ્રશ્ન એ છે કે, જો અધિકારીઓ જુદા જુદા સ્વરમાં વાત કરશે તો ભારત આ મહામારીનો સામનો કેવી રીતે કરશે ? દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ અંગે કેટલાક અધિકારીઓએ કરેલી જુદી જુદી ટિપ્પણીઓનો ઉલ્લેખ કરી કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા અજય માકને કહ્યું હતું કે, સરકારે કોરોનાની ચોક્કસ સ્થિતિ અંગે લોકોને જાણકારી આપવી જોઈએ કે જેથી તેઓ તેના મુજબ તૈયારીઓ કરી શકે. માકને કોરોના વાયરસના કેસોના રિપોર્ટીંગમાં વધુ પારદર્શિતા લાવવા અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકારને અપીલ કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, હાલના સંજોગોમાં રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વધુ સંકલનની જરૂર છે. તેમણે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, તે લોકડાઉનમાંથી બહાર નીકળવા માટેની સ્પષ્ટ નીતિ જાહેર કરે.