(એજન્સી) તા.૮
શુક્રવારે મોડી સાંજે કેરળના કોઝીકોડ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ-૭૩૭ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું જેમાં બે પાઇલટ સહિત કુલ ૧૮ લોકોનાં મોત થયાં હતા અને ૨૩ લોકોનં ગંભીર ઇજા થઇ હતી. જેઓની હાલ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. અહીં પ્રશ્ન એ થાય છે કે કોઝીકોડના એરપોર્ટમા રનવેને ટેબલ ટોપ રનવે કેમ કહેવામાં આવે છે ? અથવા તો ટેબલ ટોપ રનવે એટલે શું ?
વાસ્તવમાં ટેબલ ટોપ રનવે એટલે મોટી ટેકરી કે નાના ડુંગરની ટોચને કાપીને બનાવવામાં આવેલો રનવે જેના એક છેડે અથવા તો બંને છેડા ઉપર ઉંડી ખાઇ કે ખાડો હોય છે. જો વિમાન ઉતારવામાં સ્પિડને લગતી કોઇ બાબતમાં પાઇલટ દ્વારા કોઇ ગફલત થઇ જાય, અથવા તો ઉતરતી વખતે જ વિમાનમાં કોઇ ટેકનીકલ ખામી સર્જાય તો તે વિમાન અવશ્ય ખાડામાં કે ખાઇમાં પડી શકે અને એક મોટી દુર્ઘટના સર્જાઇ શકે.
ટેબલ ટોપ પ્રકારના રનવે સામાન્ય રીતે એવા પહાડી અથવા તો પર્વતાળ પ્રદેશમાં જોવા મળે છે જ્યાં સપાટ મેદાનનો અભાવ હોય છે, અથવા તો પર્વતની તળેટીમાં શહેર આવેલું હોય અને જ્યાં ચોમાસામાં મોટા પાયે પાણી ભરાઇ જતું હોય ત્યાં સામાન્ય રીતે ઊંચાઇ ઉપર આ પ્રકારના રનવે બનાવવામાં આવે છે. કેરળનું કોઝીકોડ શહેર પણ આસપાસ નાની નાની ટેકરીઓથી ઘેરાયેલું છે અને સપાટ મેદાનનો અભાવ છે, અથવા તો જ્યાં સપાટ મેદાનની જમીન છે તે ખૂબ જ મોંઘીદાટ છે. નેપાળના પાટનગર કાઠમંડુનું એરપોર્ટ પણ ટેબલ ટોપ પ્રકારનુ એરપોર્ટ છે, કેમ કે આખો નેપાળ દેશ હિમાલયના પર્વત થઈ ચારેબાજુઓથી ઘેરાયેલો છે. કોઝીકોડ શહેરના રનવેની લંબાઇ ૨૭૦૦ મિટર (૮૮૫૮ ફૂટ)ની છે, જે દેશના પાટનગર દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ૪૪૩૦ મીટર (૧૪૫૩૪ ફૂટ)ની લંબાઇ ધરાવતા એરપોર્ટની તુલનાએ ઘણી ઓછી છે.
બોઇંગ ૭૩૭ જેવા વિશાળ વિમાનને આકાશમાંથી નીચે ઉતરવા માટે સામાન્ય રીતે વધુ લંબાઇના રનવેની જરૂર પડે છે. કર્ણાટકના મેંગ્લોર શહેરના એરપોર્ટ ઉપર પણ ટેબલ ટોપ રનવે આવેલો છે અને ૨૦૧૦માં આ રનવે ઉપર પણ એરઇન્ડિયાનું વિમાન ઉતરતી વખતે લપસી પડ્યું હતું ને ઉંડી ખાઇમાં ધકેલાઇ ગયું હતું. આ વિમાનમાં સવાર ૧૬૬ મુસાફરો પૈકી ફક્ત ૮ લોકો જ બચી શક્યા હતા.