(એજન્સી) તા.૨
ભારતમાં બીજા નંબરના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય બિહારમાં જ્યારે ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે ચૂંટણી રેલીઓ, સમર્થન રેલીઓ અને ચૂંટણી મથકો પર એકત્ર થતાં લોકોની ભીડ હવે ચિંતાનું કારણ બનવા લાગી છે. જો કે બિહારમાં કોવિડ જાણે ગાયબ હોય એવું લાગે છે. ઇન્ડિયા ટુડે ડેટા ઇન્ટેલિજન્સ યુનિટે બિહારના કોવિડ-૧૯ના આંકડાઓ ચકાસ્યાં હતાં અને જાણવા મળ્યું છે કે રાજ્યએ કોવિડના પ્રભાવશાળી આંકડાઓથી નિષ્ણાતોને પણ મુંઝવણમાં મૂકી દીધાં છે. બિહારમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૨.૧૫ લાખ કેસો નોંધાયા છે જેમાંથી ૯૫.૬ ટકા સંક્રમિતો સાજા થઇ ગયા છે. બિહારની વસ્તીને જોતા કોવિડ-૧૯ના આંકડાઓ તુલાનાત્મક રીતે ઘણા ઓછા છે. યુઆઇડીએઆઇના જણાવ્યા અનુસાર ૨૦૨૦ માટે બિહારની સૂચિત વસ્તી ૧૨.૫ કરોડની આસપાસ હોવાનું અંદાજવામાં આવે છે. આનો અર્થ એ થયો કે વસ્તીના દર ૧૦ લાખ લોકોએ ૧૮૦૦ લોકો વાયરસથી સંક્રમિત થયાં છે જે પ્રતિ ૧૦ લાખ ૬૦૦૦ લોકોની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ત્રણ ગણો ઓછો આંકડો છે. કદાચ તેને કારણે રાજ્યમાં ટેસ્ટીંગની સંખ્યા અંગે શંકા ઊભી થાય પરંતુ તેમાં પણ બિહારનો ઝળહળતો રેકોર્ડ છે. ગુરુવાર સુધી બિહારના ટેસ્ટીંગનો આંકડો ૧.૬ કરોડ પર પહોંચી ગયો છે એટલે કે ઉ.પ્ર. પછી સૌથી સર્વોચ્ચ એવા બીજા નંબરે આવે છે. બિહારનું દૈનિક ટેસ્ટીંગ પ્રતિદિન ૧.૩ લાખ ટેસ્ટ છે જે મહારાષ્ટ્ર (૭૦૦૦૦) કરતાં બમણો આંકડો છે. આમ કોવિડ-૧૯ પ્રોટોકોલને અનુસરવાની બાબતમાં જોઇએ તો બિહાર ઊંધી દિશામાં ગતિ કરી રહ્યું છે તેથી બિહારના કોવિડ-૧૯ના પ્રભાવશાળી આંકડા જોઇને નિષ્ણાતો પણ ગુંચવાઇ ગયાં છે. મિડલ સેક્સ યુનિવર્સિટી લંડન ખાતે ગણિતશાસ્ત્રના વરિષ્ઠ વ્યાખ્યાતા મુરાદ બાનાજીએ જણાવ્યું છે કે બિહારના આંકડા આશ્ચર્યકારક રીતે ઘણા ઓછા છે. ચાલી રહેલી વર્તમાન વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ બિહારે નોવેલ કોરોના વાયરસને થાપ આપી છે અને રાજ્યમાં પ્રભાવશાળી રીકવરી રેટ અને ઓછો મૃત્યુ રેટ જોવા મળ્યો છે.