(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૪
મંગળવારે માનવીય ધોરણોના આધારે જામિયા મિલ્લિયા યુનિવર્સિટીની ર૭ વર્ષીય વિદ્યાર્થિની સફૂરા ઝરગારને જામીન મળ્યા પછી કર્મશીલો અને વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી દેશમાંથી ફાસીવાદી તત્ત્વો નાબૂદ નહીં થાય ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે. સીએએ વિરોધી દેખાવો દરમ્યાન હિંસાનું ષડયંત્ર રચવાના આક્ષેપ હેઠળ આ વર્ષની શરૂઆતમાં જ્યારે સફૂરાની ધરપકડ કરવામાં આવી ત્યારે તે ગર્ભવતી હતી. ૧૩ એપ્રિલના રોજ ધરપકડ કરાયેલા સફૂરા વિરૂદ્ધ સીએએ વિરોધી દેખાવો માટે જાફરાબાદ મેટ્રો સ્ટેશન નજીક રોડ બંધ કરવાનો અને અન્ય ગંભીર આક્ષેપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ રાજીવ શાખધેરે રૂા.૧૦,૦૦૦ના બોન્ડ પર શરતી જામીન આપ્યા હતા. જામિયાની વિદ્યાર્થિની અને જેસીસીની સક્રિય સભ્ય લદીદાએ કહ્યું હતું કે, “માનવીય ધોરણોના આધારે સફૂરાને જામીન આપવામાં આવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય દબાણે પણ તેમના જામીનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.” લદીદાએ કહ્યું હતું કે, “સફૂરાની જામીનથી અમે ખુશ છીએ પરંતુ હજી પણ ઘણા લોકો જેલમાં છે. જેમાં વિદ્યાર્થી નેતાઓ અને સામાજિક કાર્યકરો સામેલ છે અને તેમના માટે માનવીય ધોરણો જેવો કોઈ વિકલ્પ નથી પરંતુ અમે તેમના માટે લડત ચાલુ રાખીશું.” જામિયાની અન્ય વિદ્યાર્થિની અકતારિશ્તા અન્સારીએ કહ્યું હતું કે, તે સફૂરાને જામીન મળવાથી ખુશ છે તેમણે કહ્યું હતું કે, “અમે બધા જાણીએ છીએ કે, તેમણે કોઈ ગુનો કર્યો નથી. તેમણે ફક્ત અન્ય જવાબદાર નાગરિકોની જમે ભેદભાવપૂર્ણ કાયદા સામે અવાજ ઉઠાવ્યો હતો.”