હવે આપણી સામે પસંદગી કરવાનો કોઈ વિકલ્પ જ રહી ગયો નથી, જે છે તેમાં સંતુષ્ટ રહેવું પડશે, અસંતોષ વ્યક્ત નહીં કરી શકાય, કરશો તો પગલાં ભરાશે, અવાજ દબાવી દેવાશે, આપણે હવે ગુપ્ત રીતે અને સામૂહિક રીતે પ્રાર્થના કરવી પડશે કે આ સરકાર આગામી ચૂંટણીમાં ચૂંટાય નહીં, આપણને દરેક વખતે એમ કહીને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે, બધું સારૂં છે

(એજન્સી) તા.૧૬
ઉત્તરપ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ દ્વારા ધરપકડ કરાયાના એક અઠવાડિયા બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના પૂર્વ વિદ્યાર્થી શર્જિલ ઉસ્માનીએ એક ખૂલ્લો પત્ર લખ્યો હતો અને તેને રિલીઝ કરવામાં આવ્યો છે. એક જાણીતા મીડિયાએ આ પત્ર રિલીઝ કર્યો હતો.
સલામ સાથે શર્જિલ લખે છે કે, હું એ દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માંગું છું કે, જેણે મારા પરિવાર અને મારા માટે પ્રાર્થના કરી હતી. તમારા સમર્થન અને પ્રાર્થનાઓને લીધે જ આજે હું આ પત્ર લખી શકી રહ્યો છું. જેલમાંથી આ પત્ર લખવો મારા માટે શક્ય ન બન્યું હોત. ઉલ્લેખનીય છે કે, રાજકીય કેદીઓને જેલમાંથી પત્ર લખવાની છૂટ અપાતી નથી.
હું પણ આપ સૌને પત્ર લખવા માટે રાહ જોઈ રહ્યો હતો. પત્રમાં શર્જિલ કહે છે કે, દેશમાં જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની ભગવાધારી સરકાર સત્તામાં આવી છે ત્યારથી ભારતમાં મુસ્લિમો પદ્ધતિસર રીતે અરાજકતાપૂર્ણ ક્રૂરતાપૂર્વકના દમનનો સામનો કરી રહ્યા છે. જાણે આપણું ભારતનું સભ્યપદ જ રદ્દ કરી નાખવામાં આવ્યું છે. જો કે, તેના માટે ઔપચારિક રીતે બે કાયદાઓની જાહેરાત પણ થઈ ચૂકી છે જેમાં એક છે નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અને બીજો જે આવનારો છે તે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશીપ (એનઆરસી) તેના માધ્યમથી મુસ્લિમોની ભારતમાંથી સભ્યતા છીનવી લેવામાં આવશે. શર્જિલ ઉસ્માનીએ કહ્યું કે, ભારતમાં કાયદાનું અમલ કરતી એજન્સીઓ તાજેતરમાં એક્ટિવિસ્ટો, વિદ્યાર્થીઓ, નાગરિકોને નિશાન બનાવવામાં જ લાગી છે. તેઓ ફક્ત કટ્ટરહિન્દુવાદી એજન્ડાને જ આગળ વધારી રહી છે. તેના લીધે જ લિંચિંગ જેવી ઘટનાઓનો પણ અંત આવી રહ્યો નથી. હવે મુસ્લિમોના જીવની ભારતમાં કોઈ કિંમત રહી ગઈ નથી અને આ સત્યને ઉજાગર કરવા બદલ મને માફ કરજો. હવે આપણી સામે પસંદગી કરવાનો કોઈ વિકલ્પ જ રહી ગયો નથી. જે છે તેમાં સંતુષ્ટ રહેવું પડશે. અસંતોષ વ્યક્ત નહીં કરી શકાય, કરશો તો પગલાં ભરાશે અવાજ દબાવી દેવાશે. આપણે હવે ગુપ્ત રીતે અને સામૂહિક રીતે પ્રાર્થના કરવી પડશે કે આ સરકાર આગામી ચૂંટણીમાં ચૂંટાય નહીં. આપણને દરેક વખતે એમ કહીને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે, બધું સારૂં છે.