(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આજે દિલ્હી સરકારને પ્રશ્ન કર્યો કે જ્યાં સુધી તમે અમને સંપૂર્ણ રીતે સંતોષ નહીં આપી શકો કે એકીબેકી યોજનાના અમલથી પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે ત્યાં સુધી અમે એકીબેકી યોજનાને મંજૂરી નહીં આપીએ. દિલ્હીમાં શુક્રવારે પણ ધુમ્મસનો પ્રભાવ ચાલુ રહ્યો હતો અને ઘણા વિસ્તારોમાં હવામાં પ્રદૂષણનો પ્રમાણ ઘણા જ જોખમી સ્તરે પહોંચી ગયું હતું જે સામાન્ય કરતાં અનેક ગણો વધુ છે. એનજીટીએ પ્રશ્ન કર્યો કે જ્યારે હાલમાં થોડી થોડી પરિસ્થિતિ સુધરી રહી છે ત્યારે જ તમે કેમ આ યોજનાનું અમલ કરવા ઈચ્છો છો. આ કામ તમારે પહેલાં કરવો જોઈ તો હતો. જ્યારે શરૂઆતમાં જ પ્રદૂષણ વધ્યું હતું જ્યારે ડેટા મુજબ જણાવાયું છે કે પ્રદૂષણ ઉપર આની અસર નજીવી થઈ હતી તો પછી યોજના લાગુ કરવાનો શું અર્થ છે ? સુનાવણી આવતીકાલે પણ ચાલુ રહેવાની છે. એનજીટીના અધ્યક્ષે દિલ્હી સરકારને નિર્દેશો આપ્યા છે કે, આ પહેલાં તમોએ આ યોજના અમલમાં મૂકી હતી એ યોજના દરમિયાન હવામાં પ્રદૂષણની માત્રામાં કેટલા અંશે સુધારો થયો હતો એના સમગ્ર આંકડાઓ અમને દર્શાવો. પ્રદૂષણ અત્યંત વધી જવાના લીધે ‘આપ’ સરકારે પહેલાંની જેમ વાહનો માટે એકીબેકી યોજના જાહેર કરી છે. જો યોજનાનો અમલ થશે તો ૧૩ લાખ કારો દિલ્હીમાં એક દિવસે ઓછી દોડશે. જો એનજીટી પ્રતિબંધ નહીં મૂકે તો ૧૩મીથી ૧૭મી નવેમ્બર સુધી આ યોજના લાગુ કરવામાં આવશે. જે સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી લાગુ રહેશે. આમાંથી મહિલા કાર ચાલકો અને બે પૈડાના વાહનોને મુક્તિ અપાઈ છે. એનજીટીએ જણાવ્યું કે, એવા સચોટ આંકડા દર્શાવવામાં આવ્યા નથી જેથી સાબિત થાય કે કારો દ્વારા પ્રદૂષણ વધુ ફેલાય છે.