(એજન્સી) તા.૧૪
અભિનેતા દિલજિત દોસાંઝે ખેડૂતો દ્વારા પિત્ઝા લંગરનું આયોજન કરવા પર તેમની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે પ્રતિક્રિયા પણ એવા સમયે આપી જ્યારે ખુદ કંગના રાણાવતે આ મામલે તેમની ટીકા કરી હતી અને પ્રિયંકા ચોપડાએ ખેડૂતો પ્રત્યે સમર્થન આપ્યું હતું. જેઓ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. દેખાવકાર ખેડૂતો માટે ઠંડીથી બચવા માટે જરૂરી સાધનો અને કપડાની ખરીદી કરવા માટે ૧ કરોડ રૂપિયાનું દાન કરનારા દિલજિતે ટ્‌વીટર પર ટીકાકારોને આડેહાથ લેતા સણસણતો સવાલ કર્યો કે, જ્યારે ખેડૂતો ઝેરી પી જાય છે, ત્યારે તો કોઈ આટલી ટીકા કરવા કે ચિંતા વ્યક્ત કરવા આગળ આવતું નથી ? દિલજિતે આ આકરા કટાક્ષ એવા સમયે કર્યા અને એવા લોકોને ટાંકીને કર્યા. જેઓ સિંધુ બોર્ડર પર વર્તમાન સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાઓના વિરોધમાં દેખાવો કરનારા ખેડૂતો માટે પિત્ઝા લંગરનું આયોજન કરનારાઓની ટીકા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતો દ્વારા લડવામાં આવી રહેલી લડાઈનો જે પણ લોકો વિરોધ કરી રહ્યા છે. તેઓ મોટાપાયે મોદી સમર્થક જ છે. જો કે, ખેડૂતો દ્વારા પિત્ઝા ખાવામાં આવતા પણ કોઈના પેટમાં તેલ રેડાઈ શકે આ તો નવાઈની વાત છે.