(એજન્સી) તા.૩
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને શુક્રવારે જન્નતનશીન થયેલા મશહુર કોરિયોગ્રાફર સરોજખાનને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિતાભે તેમની સાથેની અનેક યાદગીરીઓને પણ વાગોળી હતી. જેમાં તેમની સરોજખાન સાથે પ્રથમ મુલાકાત પણ સામેલ હતી. અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, તેઓ તે સમયના એક અગ્રણી ડાન્સ ડાયરેકટરના સહાયક હતા. તે સમયે મારી કારકિર્દીની શરૂઆત હતી. હું ‘બંધેહાથ’ ફિલ્મમાં મુમતાઝ સાથે કામ કરી રહ્યો હતો. અમારી ફિલ્મના ડાયરેકટર ઓ.પી.રલ્હાન હતા. જ્યારે એક ગીત દરમિયાન નૃત્યાંગનાઓના ટોળામાં મેં સરોજખાનને જોયા ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો. તે ગર્ભવતી હતા અને તેમણે નેત્ય કરવાનું ચાલુ રાખ્યું. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, સરોજખાને ફિલ્મ જગતને રિધમ અને સ્ટાઈલની ભેટ આપી હતી. બચ્ચને આગળ લખ્યું હતું કે, જ્યારે કોઈ કલાકાર તેમની દેખરેખમાં સારો દેખાવ કરતો ત્યારે તે તેને તેમની પાસે બોલાવતા અને ‘શગુન’ તેમજ શાબાશી તરીકે એક રૂપિયાનો સિક્કો આપતાં હતા. બચ્ચને લખ્યું હતું કે, ઘણા વર્ષો પછી તેમને પણ તે સિક્કો મળ્યો હતો જે તેમના માટે એક ‘‘અતુલ્ય સિદ્ધિ’ હતી. બચ્ચને આ પણ કહ્યું હતું કે, સરોજખાને ડોન ફિલ્મમાં તેમના ડાન્સ પર્ફોમન્સ બદલ પણ તેમની પ્રશંસા કરી હતી. સરોજખાનના નિધન પર શોક વ્યક્ત કરતાં બચ્ચને કહ્યું હતું કે, હું દુઃખ અને સંતાપથી ભરાઈ ચૂકયો છું.

ફિલ્મ જગતે સરોજખાનને સન્માન ન આપ્યું હોવા છતાં તેમણે કહ્યું હતું, હું મારા જીવનના અંત સુધી કોરિયોગ્રાફી ચાલુ રાખીશ

(એજન્સી) તા.૩
બોલીવુડના મશહુર કોરિયોગ્રાફર સરોજખાનનું શુક્રવારે ૭૧ વર્ષની વયે હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું. શરમજનક બાબત તો એ છે કે, ૩ જૂનની સવારે થયેલી સરોજખાનની દફનવિધિમાં માત્ર પાંચ લોકો ઉપસ્થિત હતા. તેમાંથી ત્રણ તેમના બાળકો (એક પુત્ર અને બે પુત્રીઓ) અને બે કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને અહેમદખાન હાજર હતા. નૌશાદ ફિલ્મના સંગીત માટે બોલીવુડમાં જે સ્થાન ધરાવતા હતા તે જ સ્થાન સરોજખાન કોરિયોગ્રાફી માટે ધરાવતા હતા. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી સરોજખાન ફિલ્મજગત અને જૂનિયર કોરિયોગ્રાફરો ખાસ કરીને ફરાહખાનની વર્તણૂંકથી નારાજ હતા. ‘હેપ્પી ન્યુયર’ના પ્રમોશન વખતે ફરાહખાન અને કોમેડિય્ન કૂકૂ શારદાએ સરોજખાનની મજાક ઉડાવી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતાં સરોજખાને કહ્યું હતું કે, તેમણે જે ટીવી શો દરમિયાન કર્યું તે મેં જોયું. શું આ પ્રકારની વર્તણૂંક તેણીને છાજે છે. મને ખરેખર આ લોકો માટે દુઃખ થાય છે. મને એ ખબર નથી પડતી કે મને આ રીતે લક્ષ્યાંક બનાવી તેમને શું લાભ મળે છે. શું તેઓ ફકત સમાચારોમાં રહેવા માટે આવું કરે છે. હું હવે ફિલ્મજગતથી બહાર છું. તે મારાથી ભય કેમ અનુભવે છે ? સરોજખાન તાજેતરમાં પ્રવર્તમાન કોરિયોગ્રાફીના ટ્રેન્ડના કારણે પણ ખૂબ નિરાશ હતા. તાજેતરના વર્ષોમાં ફિલ્મજગતમાં અવગણના થઈ રહી હોવા છતાં સરોજખાન હાર સ્વીકારવા તૈયાર ન હતા. તેમણે કહ્યું હતું કે, હું મારા જીવનના અંત સુધી કોરિયોગ્રાફી ચાલુ રાખીશ. પરંતુ હું કોઈ ચીલો ચીતરવા માંગતી નથી. હું ફકત પૈસા કમાવવા માટે નૃત્ય કરતી નથી. મને લાગે છે કે, યુવા કલાકારો મને જૂની પેઢીની સમજે છે જેમ કે અભિષેક જેમની સાથે મેં ‘રેફયુજી’ અને ‘કુછ ના કહો’માં કામ કર્યું છે તે વૈભવી અથવા તો રેમોને પસંદ કરે છે. તેમને લાગે છે કે, હું ભૂતકાળનો ભાગ છું. પરંતુ મને ઐશ્વર્યા રાયને કોરિયોગ્રાફી કરાવવી ગમે છે. પ્રિયંકા ચોપરા જે રીતે નૃત્ય કરે છે તે પણ મને ગમે છે.

સરોજખાનનું નિધન : પ્રતિષ્ઠિત નૃત્યાંગના દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવેલા સૌથી લોકપ્રિય ગીતોની યાદી

ગીત ફિલ્મ
‘એક દો તીન’ તેજાબ
‘ધક ધક કરને લગા’ બેટા
‘હવા હવાઈ’ મિ.ઈન્ડિયા
‘ચોલી કે પીછે ખલનાયક
‘તમ્મા તમ્મા લોગે થાનેદાર
‘હમ કો આજકલ હૈ’ સૈલાબ
‘ચને કે ખેત મેં’ અંજામ
‘ડોલા રે ડોલા’ દેવદાસ
‘નીંબુડા નીંબુડા’ હમ દિલ દે ચૂકે સનમ
‘યે ઈશ્ક હાયે’ જબ વી મેટ
‘તબાહ હો ગયે’ કલંક
‘માર ડાલા’ દેવદાસ
‘યે કાલી કાલી આંખે’ બાઝીગર