(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરૂદ્ધ અવમાનના મામલામાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે એમના બે ટિ્‌વટોને લઈ એમને કોર્ટની અવમાનના માટે દોષિત ઠરાવ્યા હતા. આ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી, પત્રકાર અને લેખક અરૂણ શૌરીએ કહ્યું કે, જો કોર્ટ ભૂષણથી નારાજ હતી તો કાયદા મુજબ એમને કોર્ટમાં પોતાનો બચાવ કરવાની તક મળવી જોઈતી હતી.
શૌરીએ પત્રકાર એન.રામ અને પ્રશાંત ભૂષણ સાથે મળી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં એમણે કોર્ટની અવમાનનાના કાયદાની કલમ ૨(સી)(આઈ)ને પડકારી હતી. જો કે, પછીથી અરજી પાછી ખેંચી હતી. આ ઈન્ટરવ્યૂમાં શૌરીને પૂછાયું હતું કે, સુપ્રીમ કોર્ટે માન્યું છે કે, પ્રશાંત ભૂષણના બે ટિ્‌વટો સુપ્રીમ કોર્ટમાં લોકોના વિશ્વાસને ઓછો કરવાનું કાર્ય કરશે અને આ આપણા દેશમાં લોકશાહીના મૂળભૂત પાયાને નબળું કરે છે એવામાં તમે કોની તરફે છો ?
આ બાબતે શૌરીએ કહ્યું કે કોર્ટે કહ્યું છે કે, ભૂષણના ટિ્‌વટો નીચલી કોર્ટોને ભયભીત કરશે. જ્યારે સુપ્રીમ કોર્ટ પોતાનું રક્ષણ નથી કરી શકતી તો અમારૂં શું કરશે ? આ ઉપરાંત આ બે ટિ્‌વટો વિદેશોમાં ભારતની છબીને ઓછી કરશે. ભારતને એક લોકતંત્ર દેશ તરીકે જોવામાં આવે છે અને આ ટિ્‌વટ એ લોકતંત્રના કેન્દ્રીય પાયાને નબળું કરે છે. ટ્‌વીટરની જાહેરાત કરનાર કંપનીને આનાથી વધુ સારી જાહેરાત નહીં મળી શકશે.“આવો ટ્‌વીટર સાથે જોડાવો, આ પ્લેટફોર્મ એટલું મજબૂત છે કે, ફક્ત બે જ ટિ્‌વટોથી તમે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના કેન્દ્રીય પાયાને નબળું કરી શકો છો.”
આ ચુકાદાથી પુરવાર થાય છે કે, ન્યાયતંત્ર ખોખલું થઈ ગયું છે. કેન્દ્રીય પાયો એટલો નબળો થઈ ગયો છે કે, ફક્ત બે જ ટિ્‌વટો એને સંકટમાં મૂકી શકે છે. આ રીતની ટિપ્પણી સુપ્રીમ કોર્ટના ત્રણ જજો પાસેથી આવશે તો લોકોને ખરેખર સુપ્રીમ કોર્ટમાંથી વિશ્વાસ ઊઠી જશે. એવામાં લોકો કહેશે કે, તમે સુપ્રીમ કોર્ટ પાસે જઈ રહ્યા છો કે એ તમને બચાવે જ્યારે તેઓ પોતે કહી રહ્યા છે કે, તેઓ એટલા નબળા થઈ ગયા છે કે, બે નાના ટિ્‌વટો સંપૂર્ણ માળખાને પાડી દેશે.