(એજન્સી) તા.૯
કોરોના વાયરસનું ઈન્ફેકશન દેશમાં ઝડપથી વધતું જઈ રહ્યું છે. દરરોજ નવા-નવા કેસ વધી રહ્યા છે. હવે આ વાયરસના ઈન્ફેકશનની ચપેટમાં ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા પણ આવી ગયા છે. મધ્યપ્રદેશના ગુનાથી પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને કોરોના થઈ ગયું છે. તેમને સારવાર માટે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે તેમના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સમર્થન કર્યું છે. દિલ્હીની સાકેત મેક્સ હોસ્પિટલમાં હાલમાં તેમની સારવાર થઈ રહી છે. સાકેતની મેક્સ હોસ્પિટલ કોરોના હોસ્પિટલમાં બદલાઈ ગઈ છે, જેથી આ કોરોનાની જંગમાં વધુ સારી રીતે પોતાની સેવા આપે. સમાચાર મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા લોકડાઉન દરમિયાન દિલ્હીમાં જ છે. ભાજપમાં સામેલ થયા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર આવ્યા ન હતા. મધ્યપ્રદેશમાં ઉપચૂંટણી અંગે ચાલી રહેલી તૈયારીઓ માટે પણ સમર્થક તેમની રાહ જોઈ રહ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાને કોરોના પછી ડૉક્ટર તેમની કોન્ટેક્ટ ટ્રેસિંગમાં લાગી ગયા છે. ડૉક્ટર આ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે કેવી રીતે આ વાયરસની ચપેટમાં આવ્યા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તાવ અને ગળામાં ખરાશની ફરિયાદ કરી છે. કેજરીવાલે પણ મંગળવારે સવારે કોરોના ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે.