(એજન્સી) વોશિંગ્ટન, તા. ૬
અમેરિકાની ચૂંટણીના પરિણામોમાં વિલંબ થયા બાદ વિશ્વભરના લોકોમાં જિજ્ઞાસા વધી રહી છે અને હવે માત્ર કેટલાક રાજ્યોના પરિણામ આવવવાના બાકી હોવાથી ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનની જીત પાકી જણાઇ રહી છે. એક દિવસ પહેલા જ બિડેને જીતના જાદુઇ આંકડા ૨૭૦થી નજીક આવીને ૨૬૪ ઇલેકટોરલ વોટ મેળવી લીધા હતા પરંતુ ટ્રમ્પ દ્વારા ચૂંટણીમાં ધાંધલીનો આરોપ મૂકાયા બાદ મતગણતરીમાં વિલંબ થયો હતો. સાથે જ ટ્રમ્પના તંત્ર દ્વારા કેટલાક રાજ્યોમાં પરિણામ અટકાવવા માટે કોર્ટમાંલ પડકાર આપ્યો હતો. જોકે, જ્યોર્જિયા અને મિશિગનની કોર્ટોએ ટ્રમ્પ અભિયાનની અરજી ફગાવીને જણાવ્યું હતું કે, તેમની પાસે ચૂંટણીમાં ધાંધલી થવાના કોઇ પુરાવા નથી. દરમિયાન વ્હાઇટ હાઉસ પર કબજો જમાવવા માટે બિડેન વધુ પ્રબળ બન્યા છે. તેમણે વિસ્કોનસિન અને મિશનગન તથા જ્યોર્જિયામાં ટ્રમ્પ સામે સરસાઇ મેળવી છે અને હજુ મતગણતરી ચાલુ છે. આ ઉપરાંત પેન્સિલવેનિયામાં પણ બિડેને લીડ મેળવી લીધી હતી જ્યાં ૨૦ ઇલેક્ટોરલ વોટ છે. અમેરિકાની સંઘીય અદાલતો દ્વારા ટ્રમ્પના અભિયાનની અરજી ફગાવી દેવાઇ હતી જેમાં જ્યોર્જિયા અને મિશિગનમાં મતગણતરીમાં ધાંધલી થવાનો આરોપ લગાવાયો હતો અને રાષ્ટ્રપતિની હારવાની શક્યતાનું કારણ દર્શાવાયું હતું. મિશિગનમાં ટ્રમ્પ અભિયાને ગેરહાજર બેલેટની ગણતરી અટકાવવાની માગણી કરી હતી જ્યારે જ્યોર્જિયામાં અયોગ્ય મતોની ગણતરી કરવાનો આરોપ લગાવાયો હતો. બીજી તરફ સમગ્ર ઘટનાક્રમને નજીકથી નિહાળી રહેલા બિડેને પરિણામો અને ગણતરી મુદ્દે ધીરજ જાળવી રાખી છે અને કહ્યું છે કે, પ્રક્રિયા હજુ ચાલુ છે અને અંતિમ પરિણામ આવી જવા દો. અમારી જીત પાક્કી છે. જ્યારે ટ્રમ્પે ફરીવાર આરોપ લગાવ્યો હતો કે, ડેમોક્રેટ્‌સ દ્વારા પરિણામમાં મોટું ષડયંત્ર કર્યું છે જેથી હું આગામી રાષ્ટ્રપતિ ના બની શકું. જો તમે કાયદેસરના મતો ગણો તો હું સરળતાથી જીતી ગયો હોત. જોકે, ટ્રમ્પે આની સામે કોઇ પુરાવા આપ્યા નથી. ચાર રાજ્યો એવા છે જ્યાં હજુ મતગણતરી છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. જ્યોર્જિયા, નેવાડા, નોર્થ કેરોલિના અને પેન્સિલવેનિયામાં બંને ઉમેદવારો વચ્ચે આકરી ટક્કર ચાલી રહી છે. બિડેન આ ચાર રાજ્યોમાંથી જ્યોર્જિયા, નેવાડા અને પેન્સિલવેનિયામાં આગળ ચાલી રહ્યા છે.