ભરૂચ, તા.૧૪
ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ મચી હતી. એનીલીન ગેસ ગળતર ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ગેસની સામાન્ય અસર સ્થાનિકોએ અનુભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડીયા જીઆઇડીસી માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં બેચ પ્રોસેસ બાદ કેમિકલ ટેન્કમાં લોડ કરાઈ રહ્યું હતું ત્યારે અચાનક ગેસ ગળતર થયો હતો. એનીલીંન ગેસ લીક થવાના કારણે પ્લાન્ટમાં કામદારોને સલામત સ્થળે ખસેડી ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. ગેસના કારણે સ્થાનિકોએ આંખ અને શ્વાસમાં બળતરાની તકલીફ અનુભવી હતી. જોકે અસર ગંભીર સ્તરે અને મોટા વિસ્તારમાં અનુભવાઈ ન હતી. બનાવ સંદર્ભે જીપીસીબી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ વિભાગે સ્વતંત્ર તપાસ શરુ કરી હતી.