(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૧૪
ભરૂચ જિલ્લો ગુજરાત રાજ્યમાં વિપુલ પ્રમાણમાં કેમિકલ કારખાના ધરાવતો જિલ્લો છે. કેમીકલ કારખાનાઓમાં ઝેરી કેમીકલ ગળતર, આગ, ધડાકા વગેરે જેવા બનાવો બનવાની શક્યતાઓ વધુ પ્રમાણમાં રહેલ છે. આવા બનાવોના સમયે કારખાના દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં લઈ ન શકાય ત્યારે વહીવટી તંત્રએ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાની જરૂરિયાત રહે છે. વહીવટીતંત્ર દ્વારા આવા આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે ઝઘડિયાના મામલતદાર જે.એ.રાજવંશીના અધ્યક્ષસ્થાને ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ડીસીએમ શ્રીરામ કારખાનામાં સફળ મોકડ્રીલનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યા હતા. મોકડ્રીલના સીનારિયો તરીકે કંપનીના મટીરિયલ ગેટ પાસે રહેલ હાઈડ્રોજન બેંકમાં ફાયર થયેલ તે દર્શાવવામાં આવેલ. આ ફાયરને ડીસીએમ શ્રીરામ કંપની ઉપરાંત અન્ય કારખાનાઓના ફાયર ટેન્ડર્સ તેમજ નોટીફાઈડ એરિયાના ફાયર ટેન્ડરની મદદ વડે કાબૂમાં લેવામાં આવેલ ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરી, જી.પી.સી.બી.ની કચેરી જી.આઈ.ડી.સી., નોટીફાઈડ એરિયા, આરોગ્ય તંત્રની કચેરીએથી પણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બનાવ સ્થળની આસપાસના એરિયાને સલામત રાખવા તથા કોર્ડનીંગ કરવા પોલીસ દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા. મોકડ્રીલ સફળ રીતે પૂર્ણ થયા બાદ લોકલક્રાઈસીસ ગ્રુપના ચેરમેન તરીકે મામલતદારની અધ્યક્ષતામાં ડીબ્રિફીંગ તેમજ લોકલક્રાઈસીસ ગ્રુપની મીટિંગ યોજાઈ હતી, એમ નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય-ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.