અંકલેશ્વર, તા.રર
ઝઘડિયા રોડ પર ઓવરલોડેડ વાહનો બેફામ દોડી રહ્યા હોવાની અવારનવાર બુમો ઉઠે ઉઠે છે ત્યારે આજે મુખ્ય માર્ગ પર ઓવરલોડેડ શેરડી ભરેલી ટ્રકની એક્સેલો (પાટાઓ) તૂટી જતા ઉભેલી ટ્રકે પલટી મારી હોવાનો વિડીયો વાઇરલ થતા લોકોમાં અચરજ સાથે ભય ફેલાયો છે.
ડબલ એક્સેલ ૬ પૈડાંની ટ્રકનું વજન ૨૦૦૦૦ કિલો (૨૦ ટન) જેટલું હોય છે. એ જ ટ્રકમાં ૧૫ ટન જેટલી શેરડી ભરેલી હોય એક્સેલ પાટાઓ ઓવરલોડેડ ટ્રકને કારણે તૂટી પડતા જમણી તરફની એક્સેલો બેસી જતા ઉભેલી ટ્રકે પલટી મારતા રસ્તા પર જ ટ્રક ઉંધી વળી ગઈ હતી. ટ્રકમાં રહેલો ડ્રાઈવર પણ ધડામ દઇ સીટ પર બેઠા બેઠા જ જમીન પર પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. ટ્રક ઉંધી પડતા ઓવરલોડેડ શેરડીની રસ્તા પર રેલમછેલ થઈ ગઈ હતી. જો ટ્રકની બાજુમાં અન્ય કોઈ વાહન હોત કે ચાલુ ટ્રકે આ બનાવ બન્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શક્ત. હાલ તો વાયરલ વિડીયોએ લોકોમાં હાસ્યનું મોજું પણ ફેલાવ્યું છે સાથે જ ભયનો માહોલ પણ ઉભો કર્યો છે.