(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૪
ઝઘડિયા જીઆઇડીસીમાં નિર્માણ પામી રહેલી અમરજ્યોજ કંપનીમાં સ્ટ્રકચર ઊભી કરવાની કામગીરી દરમિયાન લોખંડની એંગલ કામદાર પર પડતા ૪૯ વર્ષીય કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ઝઘડિયા જીઆઇડીસીમાં અમરજ્યોત કંપનીના નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે. જેમા એસઆર એન્જિનિયરિંગ દ્વારા સ્ટ્રક્ચર ઊભું કરવાની કામગીરી દરમિયાન હાઇડ્રાથી લોખંડની એન્ગલ લઇ જતી વેરા બેલ્ટ છટકી જતા એન્ગલ એસ.આર. એન્જિનિયરિંગમાં કામ કરતા ૪૯ વર્ષીય જ્ઞાનેશ્વર યાદવ ઉપર પડતા ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ દોડી આવી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.