(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૮
આણંદ શહેરમાં સોજીત્રા રોડ ઉપર રહેતા ગોપાલભાઈ રમેશભાઈ ઠાકોર (ઉ.વ.૩૭) ગત રાત્રીના પોતાની મોટરસાયકલ લઈ જાખલા રોડ ઉપર આવેલી દિલ્હી દરબાર હોટલમાંથી પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો. ત્યારે જાખલા રોડ ઉપર રોડની સાઈડમાં પડેલ ઝાડના થડ સાથે ગોપાલભાઈની મોટરસાયકલ અથડાતાં તેઓ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેમાં ગોપાલભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે ભાલેજ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગોપાલભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જાખલા રોડની આસપાસ રોડ પહોળો કરવાની કામગીરી ચાલતી હોઈ જે રોડ ઉપર નડતરરૂપ વૃક્ષો કાપીને થડિયા રોડ ઉપર નાંખેલા હતા. જેના કારણે રાત્રીના અંધારામાં દૂરથી ઝાડનું થડિયું પડેલું નહીં જોતાં ગોપાલભાઈની મોટરસાયકલ ઝાડના થડિયા ઉપર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીપૂર્વક વૃક્ષો કાપી આડેધડ રોડ ઉપર થડિયા નાંખેલા હોય જેના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. જેને લઈને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.