(સંવાદદાતા દ્વારા) છોટાઉદેપુર, તા.૧૯
છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામે ઝાડ ઉપર રીંછ ચઢી જતાં જંગલ ખાતાના અધિકારીઓ ત્યાં પહોંચી રીંછ પ્રજાને નુકસાન ન કરે તે માટે જંગલ ખાતાના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર રેંજ ફોરેસ્ટ વિસ્તારમાં ડોલરિયા ગામ ડુંગરની તળેટીમાં આવેલું છે. વહેલી સવારે શુક્રવારના રોજ માનસિંગભાઈ વેસ્તાભાઈ રાઠવાના મકાન નજીક આવેલા તાડના ઝાડ ઉપર રીંછ જોવા મળતા તાત્કાલિક રેંજ ફોરેસ્ટ ઓફિસ અધિકારીને ફોન કરતા જંગલ ખાતાના અધિકારીઓ મીઠીબોર ગામે દોડી ગયા હતા. આ ગામમાં છુટીછવાઈ વસ્તી હોવાથી રીંછ નીચે ઉતરીને કોઈને નુકસાન ના કરે તે માટે વન પરિક્ષેત્ર વન અધિકારીએ છોટાઉદેપુર પોલીસ પાસે ગામમાં બંદોબસ્ત ગોઠવવા માટે માગણી કરી છે. તાડના ૩૦ ફૂટ ઊંચા ઝાડ પર ચઢી ગયેલા રીંછને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા છે. પોલીસ અને વન વિભાગ મીઠીબોર ગામે રીંછ ઝાડ ઉપરથી ઉતરે તે વખતે કોઈને નુકસાન ના થાય તે માટે પ્રજાજનોને ઘરમાંથી બહાર ના નીકળવા ઘરે-ઘરે જઈને સમજ આપી રહ્યા છે. રાત્રીના અંધકારમાં રીંછ ઉતરે ત્યારે કોઈ પણ વ્યક્તિને નુકસાન ના થાય તેની અગમચેતી વન કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ રાખી રહ્યા છે.