(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. કોરોના વેક્સિનના મુદ્દે તેઓની આ મુલાકાત મુખ્ય મનાય છે. તેઓ આવતીકાલે ઝાયડસ કંપનીની મુલાકાત લઈ વેક્સિન બનાવવાની કાર્યવાહીનું નિરીક્ષણ કરશે. મોદીના પ્રવાસ માટે કંપનીના ગ્રાઉન્ડમાં તાત્કાલિક હેલિપેડ બનાવવાની કાર્યવાહી હાથ ધરાતા તે પૂર્ણતાને આરે છે. વડાપ્રધાન મોદી ગુજરાતની ફરી મુલાકાત લઈ રહ્યા છે. જો કે, તેમની આ મુલાકાત અમુક કલાકો માટે જ હશે. હાલ કોરોના સામે લડવા માટે દેશમાં અલગ અલગ જગ્યાએ વેક્સિન નિર્માણનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ ખાતે ઝાયડસ દ્વારા પણ કોરોનાની વેક્સિન બનાવવામાં આવી રહી છે. પીએમ મોદી વેક્સીનના નિર્માણની કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદથી તેઓ ચાંગોદર ખાતે આવેલા ઝાયડસના પ્લાન્ટની પણ મુલાકાત લેશે. વડાપ્રધાનની મુલાકાતને પગલે ઝાયડસ કંપની ખાતે ગ્રાઉન્ડમાં તાત્કાલિક હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઝાયડસ ખાતે પીએમ આવવાના હોવાથી સુરક્ષાની ચકાસણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઝાયડસના પ્લાન્ટ ખાતે પહોંચી ગયા છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. પીએમ મોદી શનિવારે સવારે નવ વાગ્યે વિશેષ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જે બાદમાં અહીંથી જ તેઓ એક વિશેષ હેલિકોપ્ટરમાં ચાંગોદર ખાતે આવેલા ઝાયડસના પ્લાન્ટ ખાતે જશે. અહીં તેઓ કોરોનાની બનાવવામાં આવી રહેલી વેક્સીન અંગે માહિતી મેળવશે તેમજ પ્લાન્ટનું નિરીક્ષણ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અહીંથી જ રસી અંગે કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પીએમ કોરોનાની રસીનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. અહીંથી તેઓ પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત પણ લેવાના છે. પીએમ દેશની ૧૩૦ કરોડની જનતાને કોરોનાથી બચાવવા માટે સતત નિર્ણયો લઈ રહ્યા છે. હાલ રસીના નિર્માણનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામના નિરીક્ષણ માટે તેઓ અહીં પધારી રહ્યા છે. ગુજરાત સરકાર પર સતત તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાયડસ હાલ કોરોનાની રસી તૈયાર કરી રહ્યું છે. આ રસી ઝાયકોવિ-ડી તરીકે ઓળખાશે. ઝાયડસની આ રસી અન્ય રસી કરતાં અલગ છે. ઝાયકોવિ-ડી પ્લાસ્મીડ ડીએનએ આધારિત રસી છે. હાલ આ રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું હોવાની માહિતી મળી છે. પીએમ મોદીની પુના અને અમદાવાદની મુલાકાતને કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગને છૂટ આપવા સાથે જોડીને જોવામાં આવી રહી છે. વિશ્વના અન્ય દેશોમાં કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગની છૂટ આપવામાં આવી રહી છે ત્યારે ભારત પણ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.