(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૩
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. દરરોજ ૪૨ ડિગ્રીથી વધુના તાપમાને સૂર્ય અગનગોળા વરસાવી રહ્યા છે. બીજી તરફ ઉનાળાની શરૂઆત સાથે પાણીના પોકારો પણ પડી રહ્યા છે. જેમાં વઢવાણની રૂદ્ર ટેનામેન્ટમાં પાણી નહીં આવતા પાંચ વર્ષથી રજૂઆત કરી થાકેલા લોકોએ મતદાન બહિષ્કારની ચીમકીના બેનરો માર્યા છે. જ્યારે ચૂડાના ૧૧ ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત લીયામાં પાઇપલાઇન નાંખ્યાને ૯ વર્ષ થવા છતાં નર્મદાના નીર મળતાં ન હોવાની રાવ ઉઠી છે. એક તરફ ચોમાસામાં અપૂરતો વરસાદ અને બીજી તરફ આગ ઝરતી ગરમી વચ્ચે પાણીના પોકારો ઝાલાવાડમાં શરૂ થયા છે.
વઢવાણ ૬૦ ફૂટ રોડ વોર્ડ નં. ૩માં રૂદ્ર ટેનામેન્ટમાં ૩ દિવસે એકવાર પાણી આવે છે. પાંચ વર્ષથી પાણીની સમસ્યા સર્જાતા રહીશો રજૂઆત કરી રહ્યાં છે. ત્યારે કોઇ ઉકેલ ન આવતા અંતે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કારના બેનરો સાથે નારા લગાવ્યા હતા. આ અંગે રહીશોએ જણાવ્યું કે, પાણીની જે લાઇન છે તેનો પ્લાન એવો છે કે તે પાણી રૂદ્ર ટેનામેન્ટ સુધી આવતા તેનો ફોર્સ માત્ર ૨૫ ટકા જ રહેતું હોવાથી પૂરતું પાણી મળતું નથી. આથી નવી લાઈન તૈયાર છે તો તેઓને શા માટે નવી લાઈનમાંથી પાણી આપતા નથી ? અને જો તેઓને ૧૫ દિવસની અંદર નવા લાઈનમાંથી પાણી આપવામાં નહીં આવે તો તેઓ ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી આપી હતી. જ્યારે મૂળીનાં લીયા ગામે લોકોને નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ૯ વર્ષ પહેલા તંત્ર દ્વારા સરાથી લીયા સુધી લાખોના ખર્ચે પાઇપલાઇન નાંખવામાં આવી છે. પરંતુ હજુ સુધી લીયા ગામમાં પાણી ન પહોંચતા લોકોને ન છુટકે બોરનું પાણી પીવું પડી રહ્યું છે. ઉપરાંત ચુડાના ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ પાક વીમામાં થયેલા અન્યાય સામે ૧૧ એપ્રિલે મામલતદાર કચેરીએ ધસી આવ્યા હતા. વર્ષ ૨૦૧૮-૧૯માં ઓછા વરસાદને કારણે ચુડા તાલુકામાં કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. છતાં પેટે પાટા બાંધીને પણ પાંચ ટકા વીમા પ્રિમિયમ ભર્યો હતો. સરકારે પણ ચુડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરાયો હતો પરંતુ જ્યારે પાક વીમો આપવાની વાત આવી ત્યારે વીમા કંપનીએ ફક્ત ૬ ટકા વીમો પાસ કરી હાથ અધ્ધર કરી દીધા. ચુડા તાલુકાના અગિયાર ગામો ચોકડી, કોરડા, જેપર, સમઢીયાળા, નવી મોરવાડ, ભાણેજડા, જુની મોરવાડ, વેળાવદર, ચાચકા, કુડલા અને ભેંસજાળ ગામો તો એવા છે કે જેમણે નર્મદાના નીર જોયા જ નથી.