સુરેન્દ્રનગર,તા.ર૯
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવાર થીજ વરસાદનો સારો એવો પ્રારંભ થઇ ગયો છે. ખેતીમાં ખેડૂતોને ફાયદો થયો છે. જગતનો તાત ધીમા વરસાદના કારણે ખુશ છે.
થાન અને ચોટીલા પંથકમાં વરસાદના કારણે જિલ્લામાં આવેલ જરિયા મહાદેવના મંદિર પર પાણીનો ધોધ વરસ્યો હતો. જિલ્લાની ડેમોની સપાટી નવા પાણીના કારણે ઉંચી આવી છે. સુરેન્દ્રનગર ધોળી ધજાની સપાટી ૧૪ ફૂટ અને નાયકાની સપાટી ૮.૯૦ ફૂટે પહોંચી હતી.
લાંબી રાહ જોયા બાદ આખરે સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘ મહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે અને ધોળા દિવસે ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો સાથે અંધારા જેવો માહોલ છવાઈ ગયો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડવાનું શરૂ થઈ ગઈ ગયેલ. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજામાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. જિલ્લાભરના ખેડૂતોમાં પણ વરસાદના આગમનથી આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. વરસાદની એન્ટ્રીથી શહેરમાં અનેક વિસ્તારોમાં ગટર ઊભરાવવાની તેમજ પાણી ભરાઇ જવાની સમસ્યાને લોકોને સામનો કરવો પડ્યો હતો. ઠેર-ઠેરથી આવતી ફરિયાદોને પગલે તંત્ર દ્વારા કરાયેલી પ્રિમોન્સુન કામગીરી કેવા પ્રકારની હશે તે સ્પષ્ટ દેખાઈ આવતું હતું.