હત્યા કેસમાં અન્ય મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા

(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.૨૮
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરનો બનાવ એવો ઝાલોદના હિરેન પટેલ મર્ડર કેસમાં ગુજરાતે એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગતરોજ એટીએસની ટીમે આ ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ઘણા મહિનાઓથી ફરાર વોન્ટેડ ઇમરાન ઉર્ફે ઈમુ ગુડાલાને હરિયાણાથી ઝડપી પાડયા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરતા મોટો ખુલાસો થયો છે. ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા અને ભાજપના પૂર્વ સાંસદ બાબુ કટારાના ભાઈ અમિત કટારાએ કાઉન્સિલર હિરેન પટેલનાં મોતનું કાવતરૂં રચ્યું હોવાનું આ સમગ્ર પ્રકરણ બહાર આવતાં એટીએસની ટીમે વધુ તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે ત્યારે આ સમગ્ર હત્યાકાંડમાં અન્ય રાજકીય આગેવાનોની પણ સંડોવણી હોવાનું હાલ ભારે ચર્ચાઈ રહ્યું છે અને તે દિશામાં પણ એટીએસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાનો બહુચર્ચિત હત્યાકાંડ કેસ એટલે ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલને કેટલાક મહિનાઓ અગાઉ બોલેરો ડાલા ગાડીને અડફેટે મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર દાહોદ જિલ્લા સહિત જામનગરમાં હિરેન પટેલના સમર્થકો દ્વારા હિરેન પટેલની રાજકીય દાવ તે મોતને ઘાટ ઉતારાયો હોવાની રજૂઆતો તેમજ તપાસની ન્યાયની માંગણીઓ સાથે ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ દાહોદ એસ.પી સહિત પંચમહાલ તેમજ વડોદરાની ટીમ આ હત્યાકાંડ પરથી ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ આરંભ કરી ચૂકી હતી અને ત્યારબાદ કેટલાક માથાઓની સંડોવણી બહાર આવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને બહાર આવ્યું હતું કે હિરેન પટેલને મોતને ઘાટ ઉતારવા માટે સોપારી આપવામાં આવી હતી. આ બાદ પોલીસે દાહોદ જિલ્લામાંથી તેમજ મધ્યપ્રદેશમાંથી કેટલાક આરોપીઓની અટક પણ કરી હતી. અત્યારે હાલ છેલ્લા ચાર-પાંચ દિવસ અગાઉ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે આહિર પટેલના પરિવારજનોને પણ મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આ હત્યાકાંડમાં સામેલ કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે અને તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ છેલ્લા બે દિવસના સમયગાળા દરમિયાન દાહોદ જિલ્લામાં એટીએસની ટીમે ધામા નાખ્યા હતા અને હિરેન પટેલ હત્યાકાંડમાં તપાસનો ધમધમાટ આરંભ કરતા આ કેસમાં સંડોવાયેલ ઝાલોદનો ઇમરાન ગુડાલા ઉર્ફે ઈમુની હરિયાણાના ગુજરાત એટીએસની ટીમે ધરપકડ કરી છે અને જાણવા મળ્યા અનુસાર ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા અને ભાજપના પૂર્વ સાંસદ બાબુ કટારાના ભાઈ અમિત કટારાએ આ હત્યાનું કાવતરૂ રચ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લા રાજકારણમાં ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ સમગ્ર હત્યાકાંડ રાજકીય અદાવતે જ કરાઇ હોવાનો માલુમ પડ્યું છે અને આવનાર દિવસોમાં અન્ય મોટા માથાઓ પણ આ હત્યાકાંડમાં બહાર આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.