નવી દિલ્હી,તા.૯

કોરોના મહામારીનો માર ઈન્ટરનેશનલ ક્રિકેટ પર યથાવત છે. વધુ એક ટી૨૦ સીરિઝ રદ્દ કરવામાં આવી છે. હવે ઝિમ્બાબ્વેએ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી પાંચ મેચોની આગામી ટી૨૦ શ્રેણીને રદ્દ કરી દીધી છે. ટી૨૦ શ્રેણી ઓગસ્ટમાં રમાવાની હતી અને ઝિમ્બાબ્વે ક્રિકેટે પોતાની સરકાર પાસે નિયંત્રિત માહોલમાં આ શ્રેણીના આયોજન માટે અનુમતિ માંગ હતી. પરંતુ સ્પોર્ટ એન્ડ રિક્રિએશન કમિશન એ સલાહ આપી કે દેશમાં અચાનક વધી રહેલા કોવિડ-૧૯ના કેસને કારણે અહીં આવનારી ટીમોની યજમાની માટે હજુ પણ તૈયાર નથી.

ઝિમ્બાવે ક્રિકેટે ટ્‌વીટ કરી કે, “ઝિમ્બાબ્વે ક્રિકેટે અફઘાનિસ્તાન વિરુદ્ધ પાંચ મેચોની ટી૨૦ ઈન્ટરનેશનલ શ્રેણી રદ્દ કરી દીધી છે, જે ઓગસ્ટમાં રમાવાની હતી. કારણ કે સરકારે સલાહ આપી છે દેશમાં કોરોનાના વધતા કેસના કારણે ઝિમ્બાવેનો પ્રવાસ કરનારી ટીમોની યજમાની માટે તૈયાર નથી. ટીમ ઈન્ડિયા પણ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે સાથે ત્રણ મેચોની વનડે સીરિઝ રમાવાની હતી પરંતુ આ સીરિઝ પણ કોરોનાના કારણે રદ્દ થઈ ગઈ હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ ઓગસ્ટમાં ઝિમ્બાવે સાથે રમાનારી ત્રણ મેચોની વનડે સીરિઝ રદ્દ કરી દીધી છે. આ સીરિઝ ઓસ્ટ્રેલિયામાં રમાવાની હતી.ઉલ્લેખનીય છે કે, રમતમાં સરકારી હસ્તક્ષેપથી મુક્ત રાખવામાં નિષ્ફળ રહેવા પર ગત વર્ષે આઈસીસી દ્વારા ઝિમ્બાવે પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો.