(એજન્સી) મુંબઈ, તા.૩૦
વરિષ્ઠ અભિનેત્રી ઝીનત અમાને મુંબઈના એક વેપારી વિરૂદ્ધ પીછો કરવા અને ગુનાહિત ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે પણ વેપારી નાસી ગયો છે. મીડિયા અહેવાલો મુજબ વરિષ્ઠ અભિનેત્રીએ સરફરાજ ઉર્ફે અમન ખન્ના સામે ફરિયાદ નોંધાવી છે. અમન ઝીનત અમાનને ઘણા સમયથી ઓળખે છે. એક સમયે એ નાનો ફિલ્મ નિર્માતા હતો. કહેવાય છે કે અમન ઝીનત અમાનના ઘરે ગયો અને ચોકીદાર સાથે ગેરવર્તણૂક કરી હતી જેના લીધે ઝીનતે ફરિયાદ નોંધાવી છે. ખન્ના ઝીનત અમાન સાથે મળવા ઝિદ કરી રહ્યો હતો પણ ઝીનત એની સાથે મળવા ઈચ્છતી ન હતી. તેમ છતાંય અમન ખન્નાએ ઝીનતનો પીછો કરવાનો ચાલુ રાખ્યો હતો અને એમને વ્હોટ્‌સએપ ઉપર સંદેશાઓ મોકલતો હતો. ઝીનત અમાન ૭૦ અને ૮૦ના દાયકાઓની ખ્યાતના અભિનેત્રી છે. એમણે સત્યમ શિવમ સુંદરમ. કુરબાની, ડોન, હરે રામા હરે ક્રિષ્ના અને લાવારિસ જેવી ખ્યાતનામ ફિલ્મોમાં અભિનય કર્યું હતું.