વડોદરા,તા.૬
વડોદરામાં વારસિયા સંજયનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઝૂંપડા વાસીઓને ૧૮૪૧ મકાનો બાંધી આપવા મકાનની યોજના તૈયાર કરવામાં આવી છે. ઝૂંપડાવાસીઓને હજુ સુધી મકાન મળ્યા નથી અને ભાડું પણ ચુકવાતું નહીં હોવાથી છેલ્લા કેટલાક સમયથી ઝૂંપડાવાસીઓ આંદોલન કરી રહ્યા છે. જો કે લોકોને કહેવું છે કે, વારસિયા સંજયનગર ખાતે આવેલ ઝૂંપડપટ્ટી આજથી ૩ વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ પીપીપી મોડલથી સંજયનગરના લાભાર્થીઓને ત્યાં મકાન બનાવી આપવાના હતા અને જયાં સુધી મકાન ના મળે ત્યાં સુધી ભાડું પણ ચુકવવાનું હતું. ૧૮ માસની અંદર મકાન તૈયાર કરીને ફાળવી આપવાના હતા પરંતુ આજે ૩૬ મહિના થઈ ગયા હોવા છતાં કોર્પોરેશન તથા બિલ્ડર દ્વારા કોઈપણ જાતનું બાંધકામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. તથા એક પણ ગરીબ લાભાર્થીને મકાન આપવામાં આવ્યું નથી. લોકડાઉન પછી આજ દિન સુધી ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી જેના વિરોધના ભાગરૂપે ૧૮૪૧ લાભાર્થીઓ છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. જેમાં આજે તંત્રને ઢંઢોળવા માટે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યાલય ખાતે વડોદરાના સંસદ સભ્યને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને રડતા રડતા રજૂઆત કરી હતી. તેઓનું કહેવું હતું કે મકાનો વિના ગરીબ લોકો હેરાન થઈ ગયા છે આવેદનપત્ર સ્વીકાર્યા બાદ સંસદ સભ્યએ કહ્યું હતું કે જેમ બને તેમ મકાનો જલ્દી તૈયાર થાય અને ભાડું પણ સમયસર મળે તે માટે મ્યુનિસિપલ કમીશનર સાથે ચર્ચા કરશે.