(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.ર૦
ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલ તળાવમાં આજે બે માસૂમ પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.
આ કરૂણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલ રામદેવપીરના મંદિર નજીક રહેતા વિચરતી વિમુક્ત જાતિના સુંડલા બનાવતા વાંઝા પરિવારના બે બાળકો સુરેશ પ્રતાપ વાંઝા અને રવિ તુતાભાઈ વાંઝા (ઉંમર અનુક્રમે ૬-૬ વર્ષ)ના આજે ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. બાદમાં બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ટંકારા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે હતભાગી બંને બાળકો કાકા અને મોટા બાપુના સંતાનો હતા અને તળાવના કાંઠે જ તેમના પરિવારજનો ઝૂંપડા બાંધીને રહે છે. આજે બંને બાળકો તેમના ઝૂંપડા પાસે રમતા હતા અને રમતા -રમતા બંને બાળકો અચાનક તળાવના કાંઠે પહોંચી ગયા હતા. આથી તળાવના ઊંડા પાણીમાં ડૂબી જતાં બંને બાળકોના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના બે માસુમ કૌટુંબિક ભાઈઓના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી મચી ગઇ છે.