મોરબી, તા.૭
ટંકારામાં હાલમાં ધો. ૧૦ તથા ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ટંકારામાં બોર્ડની પરીક્ષામાં એક એનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતા અને પુત્ર એકસાથે ધો.૧૨ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જો કે પુત્રની પરીક્ષામાં તેનો આત્મવિશ્વાસ વધારવા માટે પિતાએ પણ એક્સ્ટર્નલમાં પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. ટંકારાના બેટરીના વેપારી વિરમગામા મહેશભાઈ કુંવરજીભાઈ (ઉ.વ ૪૨) અને તેમનો ૧૭ વર્ષીય પુત્ર રાહુલ હાલ ધો.૧૨ની બોર્ડની પરીક્ષા એકસાથે આપી રહ્યા છે. જો કે પુત્ર રાહુલ અગાઉ પરીક્ષાની તૈયારી કરતો હતો તે દરમિયાન પિતા મહેશભાઈ તેને અભ્યાસમાં મદદરૂપ થતા હતા ત્યારે પિતાને વાંચનનો પ્રેમ જાગ્યો હતો અને પુત્રનો આત્મવિશ્વાસ વધારવા માટે તેમણે પણ ધો.૧૨ની એક્સ્ટર્નલ પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. આ રીતે પિતા અને પુત્ર બન્ને પરીક્ષાની સાથે જ તૈયારી કરીને એકાગ્રતાપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે.