વોશિંગટન,તા.૧૧
ટાઈમ મેગેઝીને ૨૦૨૦ માટે પર્સન ઓફ ધી યરની જાહેરાત કરી દીધી છે. આ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડન અને વાઈસ પ્રેસિડન્ટ ઈલેક્ટ કમલા હેરિસને મેગેઝીનના કવર પેજ પર જગ્યા આપી છે. બંનેના ફોટા સાથે લખ્યું છે કે, ચેન્જીંગ અમેરીકાઝ સ્ટોરી એટલે કે બદલાતા અમેરિકાની કહાની. ૧૯૨૭થી ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધી યરની પસંદગી કરી રહી છે. આ વર્ષે પર્સન ઓફ ધી યરની રેસમાં અમેરિકન ફિઝિશિયન ડોક્ટર એંથની ફૌસી, રેસિયલ જસ્ટિસ મૂવમેન્ટ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા. બાઈડેને ગયા મહિને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે. અમેરિકાના દરેક ૫૦ રાજ્યોમાં ચૂંટણીને સર્ટિફાઈ માનવામાં આવી છે. તેમ છતાં ટ્રમ્પ ચૂંટણીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવી રહ્યા છે.મેગેઝિને બંનેને અમેરિકાના ઈતિહાસમાં પરિવર્તન લાવવા માટે પોલિટિક્સ કેટેગરીમાં આ પુરસ્કાર આપ્યો છે. ટાઈમના એડિટર ઈન ચીફ એડવર્ડ ફેલ્સેંથલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, બાઈડન અને કમલા હેરિસે અમેરિકન ઈતિહાસને બદલવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં દર્શાવવામાં આવ્યું કે, લોકોના ભાગલાં પાડવા કરતાં વધારે તાકાત તેમના પ્રત્યે હમદર્દી દર્શાવવામાં છે. બંનેએ દૂખમાં ડુબેલી દુનિયાના ઘા ઉપર મલમ લગાવવાનું વિઝન રજૂ કર્યું છે.