રાકેશ ટિકૈતનો ડૂમો ભરાતાં ભાઇ નરેશ ટિકૈતે મુઝફ્ફરપુરમાં ખેડૂતોની મહાપંચાયત બોલાવી કિસાન આંદોલનને સંપૂર્ણ સમર્થનની જાહેરાત કરી, તેમની જાહેરાતથી હજારોની સંખ્યામાં ઉત્તરપ્રદેશના કિસાનોએ મુઝફ્ફરપુરમાં ધામા નાખ્યાઉત્તરપ્રદેશ સરકાર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોનો ખડકલો કર્યા બાદ રાકેશ ટિકૈતે સરહદ પરથી નહીં ખસવા અને પોતાનો જીવ આપી દેવાની ગર્જના બાદ ઘરે પરત ફરી રહેલા પ્રદર્શનકારીઓ પાછા ગાઝીપુર બોર્ડર પર એકઠા થયા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતના ભાઇ નરેશ ટિકૈત દ્વારા બોલાવાયેલી કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યમાં સમર્થકો જોડાયા હતા. આ વિસ્તાર કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આંદોલન ચલાવી રહેલા કિસાન નેતા રાકેશ ટિકૈતે જ્યાં મોરચો નાખ્યો છે તેવા ગાઝીપુર બોર્ડરથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર છે. આ મહાપંચાયત યોજાઇ ત્યારે ડ્રોન કેમેરાથી વીડિયો લેવાયા હતા જેમાં મોટી સંખ્યામાં સામેલ થયેલા કિસાનો જોઇ શકાય છે. ગાઝીપુરમાંથી આંદોલન કરી રહેલા કિસાનોને ખાલી કરવાના યુપી વહીવટીતંત્રા આદેશથી સર્જાયેલી તંગદિલી બાદ આ મહાપંચાયત બોલાવાઇ હતી. ગુરૂવારે ખડકી દેવાયેલી પોલીસ અને અર્ધલશ્કરી દળોની ટીમોને જોતાં એવા અહેવાલો હતા કે, કિસાનોનું આંદોલન પડી ભાંગશે અને તેમણે જગ્યા ખાલી કરવા માટે મજબૂર થવું પડશે. આ પહેલા આંદોલન સ્થળે વીજળી અને પાણીની સુવિધા કાપી નખાઇ હતી પરંતુ ત્યારબાદ તેને ફરીવાર શરૂ કરવામાં આવી હતી.
જે રીતે કિસાનો પોતાના સ્થાનો ખાલી કરી રહ્યા હતા તેને જોતાં પશ્ચિમ યુપીના કિસાન નેતા રાકેશ ટિકૈત કેમેરા સામે આવ્યા હતા અને જગ્યા નહીં છોડવાનો મક્કમ નિર્ધાર જાહેર કર્યા બાદ ફરીવાર સરહદો પર કિસાનોનો જમાવડો થયો હતો. તેમણે કહ્યું હતું કે, ‘તેઓકિસાનોને બરબાદ કરવા માગે છે, અમે આ થવા દઇશું નહીં. કાંતો કાયદા પરત લેવાશે અથવા ટિકૈત પોતાની જાતને ખતમ કરી નાખશે. આ કિસાનો વિરૂદ્ધ ષડયંત્ર છે. તેમની વીડિયો ક્લિપ વાયરલ થતાં જ મોટી સંખ્યામાં કિસાન પ્રદર્શનકારીઓ પરત ફરવા લાગ્યા હતા અને ગાઝીપુર સરહદ પર ફરીવાર ધામા નાખ્યા હતા. બીજી તરફ ઉત્તરપ્રદેશના ટોચના પોલીસ અધિકારી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, ગાઝીપુર ખાતેથી દેખાવકારોને હટાવવાની પોલીસની કોઇ યોજના નથી. ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કિસાનોને ખાલીકરાવવા માટે નહીં પરંતુ આંદોલનમાં કોઇ અસામાજિક તત્વો ના ઘૂસી જાય તે માટે કરવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકોએ આ તૈનાતીને કિસાનોને ખાલી કરાવવા સાથે જોડી દીધી હતી. શુક્રવારે સાંજે પણ દિલ્હી-હરિયાણાની સિંઘુ બોર્ડર પર પણ તંગદિલી સર્જાઇ હતી જ્યારે ૨૦૦થી વધુ લોકોનું એક ટોળું પ્રદર્શન સ્થળે ધસી આવ્યું હતું અને પથ્થરમારો કરીને દેખાવકારોના ટેન્ટને નુકસાન પહોંચાડ્યું હતું. આ અચાનક થયેલી હિંસામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. કિસાનો એવા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માગ કરી રહ્યા છે જે તેઓ અનુસાર ખેડૂતોને બરબાદ કરી નાખશે અને તેમને ઉદ્યોગપતિઓની મહેરબાની પર જીવવા માટે મજબૂર કરશે. આ માટેતેમઁણે લઘુતમ ટેકાના ભાવોને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. સરકાર કહે છે કે, આ કાયદાથી કિસાનો પોતાની ઉપજને દેશમાં કોઇપણ સ્થળે વેચી શકશે અને સ્પર્ધા વધતા તેમને ઉપજનો સારો ભાવ મળી શકે છે.