(એજન્સી) તા.૧૫
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની ચાલુ મહિને ફેબ્રુઆરીમાં જ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. આ દરમિયાન વ્હાઈટ હાઉસે તેના નિવેદનમાં જાહેરાત કરી હતી કે અમેરિકા અને ભારતની રણનીતિક ભાગીદારી તેનાથી મજબૂત થશે. તેમણે કહ્યું કે તે બે દિવસ માટે ગુજરાત અને દિલ્હીની મુલાકાત પણ લેશે. જોકે ટ્રમ્પના પ્રવાસની તૈયારીઓના સમાચાર સંપૂર્ણ ભારતના મીડિયામાં છવાયેલા છે. જોકે અમદાવાદમાં જે રીતે અમેરિકી રાષ્ટ્રપતિના આગમનની તૈયારીઓ થઈ રહી છે તે નોંધનીય રહી છે. અહીં ટ્રમ્પને અમદાવાદની ગરીબી ન દેખાય અને સરકારની નિષ્ફળતાઓ ન દેખાય તે માટે ગરીબોના મકાન સંતાડી નાખવા માટે તેમના ઘરની આગળ દિવાલો બાંધવામાં આવી રહી છે. એક જાણીતા મીડિયાના અહેવાલ અનુસાર આ દિવાલ બાંધનારા કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે સરકાર નથી ઈચ્છતી કે ટ્રમ્પને ગરીબી દેખાય અને તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યા પછી અહીંથી જ સ્ટેડિયમ તરફ રવાના થશે. મને વહેલા તે પહેલાના ધોરણે આ દિવાલ બાંધવાનો આદેશ અપાયો છે. અહીં અમે ૧૫૦ કડિયાઓને કામે લગાડી દીધા છે. જોકે આ દરમિયાન દેશભરમાંથી આ ઘટનાની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ટિ્‌વટરાતીઓ પણ આ મામલે ટિ્‌વટર પર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. આ દરમિયાન તેલંગાણા કોંગ્રેસે ટિ્‌વટના માધ્યમથી કહ્યું હતું કે ગુજરાતના સીએમ પદે ૧૨ વર્ષ રહ્યાં, ૬ વર્ષથી વડાપ્રધાન પદે છો, તેમ છતાં ગુજરાત મોડેલને દિવાલ પાછળ છુપાવવાની કેમ જરૂર પડી? વધુ એક યૂઝરે લખ્યું હતું કે ગરીબી હટાઓ, દિવાલ બનાઓ. એકે તો આ મામલે કટાક્ષ કરતાં લખ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ મેક્સિકન લોકોને દેશથી દૂર રાખવા માટે દિવાલ બાંધી રહ્યા છે અને અહીં મોદીજી ટ્રમ્પની નજરોથી ભારતીયોને દૂર રાખવા માટે દિવાલ બાંધી રહ્યાં છે. જરાક વિચારો કદાચ આ દિવાલ તમારા લોકોના ઘરની સામે બાંધવામાં આવી હોત તો તમારી શું પ્રતિક્રિયા હોત ?