(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૮,
એક ટીવીના કોમેડી શોમાં ફિલ્મી અભિનેત્રીઓએ ખ્રિસ્તી સમાજની લાગણી દુભાય તેવી અભદ્ર ટીપ્પણી કરતાં ખ્રિસ્તી સમાજમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી. વડોદરાના ખ્રિસ્તી સમાજે આ મામલે જાહેરમાં માફી માંગવામાં આવે એવી માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ફિલ્મ જગત સાથે જોડાયેલા ફરાહખાન, અભિનેત્રી રવિના ટંડન તથા કોમેડીયન ભારતીસીંગ એક કોમેડી શોમાં ધાર્મિક અભદ્ર ટીપ્પણી કરતાં વિવાદમાં આવ્યા છે. આ કોમેડી શો માં હાલેલુયા શબ્દ સામે સમગ્ર દેશનાં ખ્રિસ્તી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. હાલેલુયા શબ્દ નો અર્થ પ્રેઇસ ઓફ ગોડ (પરમેશ્વરનું વચન) થાય છે. જે ખ્રિસ્તી સમાજમાં પવિત્ર શબ્દ છે. આ શબ્દનો ઉપયોગ કરી કોમેડી શોમાં અભદ્ર ટીપ્પણી કરતાં ખ્રિસ્તી સમાજમાં નારાજગી પ્રવતી રહી છે. શહેરમાં વસતા ખ્રિસ્તી સમાજનાં ધર્મનાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓની ધાર્મિક લાગણી દુભાઇ હોવાના આક્ષેપ સાથે આજે સવારે ખ્રિસ્તી સમાજનાં લોકોએ ભેગા થઇ નારાજગી દર્શાવી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ટીવી શોમાં જે રીતે આ ધાર્મિક શબ્દનો ઉપયોગ કરીને અભદ્ર ટીપ્પણી કરી છે તેનાથી ખ્રિસ્તી ધર્મની લાગણી દુભાઇ છે. અમે આજે ફતેગંજ પોલીસે આ અંગે અરજી આપી છે. પંજાબમાં આ સંદર્ભે ફરીયાદ નોંધાવી છે. તેના કારણે અત્રે અરજી આપી કઠોર કાર્યવાહીની માંગ કરી છે. જો આ સંદર્ભે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા સહિતનાં કાર્યક્રમો યોજીશું તેમ ખ્રિસ્તી સમાજનાં અગ્રણી વિલ્સન સોલંકીએ જણાવ્યું હતું.