મુંબઇ, તા.૧૬
તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા અને એક સમય ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ કરી ચૂકેલા જાણીતા બેટ્‌સમેને ક્રિકેટ જગતને અલવિદા કહ્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ પર જોરદાર પ્રહાર કર્યો છે અને સાથે જ ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ અને ભૂતપૂર્વ બેટ્‌સમેન રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને લઈ મોટું નિવેદન આપ્યું છે.
આપણે જણાવી દઈએ કે તાજેતરમાં ક્રિકેટર વસીમ જાફરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ એક ખાનગી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઓપનર વસીમ જાફરે કહ્યું કે હાલના સમયમાં ક્રિકેટરોને સન્માન અને ઓળખાણ ત્યારે જ મળે છે જ્યારે તે ત્રણે ફોર્મેટમાં સફળ હોય છે. જાફરે કહ્યું કે,‘હું એમ નથી કહેતો કે ચેતેશ્વર પુજારાને સન્માન નથી પરંતુ તે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમે છે. કોઈ અન્ય ફોર્મેટ નથી. હવે સમય બદલાયો છે. મારા સમયમાં પણ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ જેવા ખેલાડીઓ હતા જેમને પૂરતું સન્માન નથી મળ્યું.’
જાફરે કહ્યું કે આજનો સમય એવા ખેલાડીઓનો છે જે ત્રણે ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શકે છે. આ સિવાય રિપોર્ટ મુજબ ઈન્ડિયન પ્રીમિયર લીગ પર હુમલો કરતા વસીમ જાફરે કહ્યું કે આ ટી૨૦ લીગના કારણે ઘરેલું ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને તેમનો હક મળ્યો નથી.