નવી દિલ્હી,તા.૫

ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક આ વર્ષે આઈપીએલમાં ભાગ લઇ નહી શકે. ખેલાડીને આ વાતનો કોઇ અફસોસ નથી. સ્ટાર્ક ઓસ્ટ્રેલિયામાં થનારી ટી-૨૦ વર્લ્ડ કપની શ્રેણીમાં સારૂ યોગદાન આપવા અને તેના પર જ ધ્યાન આપવા આઈપીએલમાંથી હટી ગયો છે. જો કે કોરોના વાયરસને કારણે હવે આ ટૂર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી છે. બે વર્ષ સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી રમનારા ૩૦ વર્ષીય સ્ટાર્કે કહ્યું કે, હું જાણું છું કે દૂરંદેશી એક અદભૂત વસ્તુ છે અને હવે આઈપીએલ જુદા જુદા સમયે થઈ રહ્યું છે પણ ના, હું મારો નિર્ણય બદલીશ નહીં. તેણે કહ્યું, જ્યારે ખેલાડીઓ સપ્ટેમ્બરમાં આઈપીએલમાં રમી રહ્યા છે, ત્યારે હું તાલીમ લેવામાં સમય પસાર કરવામાં ખુશ થઈશ. હું ઉનાળા માટે તૈયાર થઈ રહ્યો છું. સ્ટાર્કે કહ્યું, હવે પછીનું વર્ષ નવું રહેશે અને મારી આસપાસના લોકો નિશ્ચિતરૂપે વિચારશે, પરંતુ આ વર્ષે હું મારા નિર્ણયથી ખુશ છું. ૨૦૧૮ની આઈપીએલ હરાજીમાં સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ખરીદ્યો હતો, પરંતુ ઈજાને કારણે તે ટૂર્નામેન્ટથી બહાર નીકળી ગયો હતો અને આખરે નવેમ્બરમાં તેને છૂટો કરવામાં આવ્યો હતો.